ગુજરાત વહીવટી તંત્રમાં મોટું રી-શફલ 72 આઇએએસ અધિકારીઓની બદલી
ગુજરાત વહીવટી તંત્રમાં મોટું રી-શફલ 72 આઇએએસ અધિકારીઓની બદલી
May 13, 2026 10:00 AM
ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા આજે વહેલી સવારે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા એકસાથે 72 આઇએએસ અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સચિવાલયથી લઈને જિલ્લા કક્ષા સુધીના વહીવટી માળખામાં મોટી અસર જોવા મળી રહી છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી નિગમોના વડાઓનો સમાવેશ થાય છે. આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા અને વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી આ 'મેજર રી-શફલ' કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.જાહેર થયેલા ઓર્ડર અનુસાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે દીપેશ કેડિયાની નિમણૂંક કરવામાં આવી છે. જામનગરના ડીડીઓ અંકિત પન્નુની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેના સ્થાને જામનગર ડીડીઓ તરીકે શ્રીનિશાની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરીને તેમને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં કલેક્ટર તરીકેની તેમની કામગીરી બાદ હવે તેઓ રાજ્યના મહેસૂલી અને ટેક્સ વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ ગુજરાતના મહત્વના કેન્દ્રો પૈકીના એક એવા સુરતના કલેક્ટર ડૉ. સૌરભ પારધીને નાગરિક પુરવઠા વિભાગના ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને હવે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના રિન્યુએબલ એનર્જી સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીની બદલી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે કરવામાં આવી છે. ગાંધીધામ મ્યુનિ. કમિશનર મનિશ ગુરવાણીની નવસારીના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. મોરબી મ્યુનિ. કમિશનર સ્વપ્નીલ ખરેને મોરબીના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર ગંગા સિંઘની નર્મદા-રાજપીપળાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોના વિકાસને પણ પ્રાધાન્ય આપ્યું છે. નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીને હવે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ નિમણૂકથી આદિવાસી બાળકોના શિક્ષણ અને રહેણાંક શાળાઓના વહીવટમાં વધુ સુધારો આવવાની અપેક્ષા છે. આ બદલીઓના રાઉન્ડમાં માત્ર નવા પોસ્ટિંગ જ નહીં, પરંતુ કેટલાક અનુભવી અધિકારીઓને વિવિધ વિભાગોની કામગીરીમાં સાતત્ય જળવાઈ રહે તે માટે વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ વ્યાપક ફેરફાર બાદ હવે નવા નિમણૂક પામેલા અધિકારીઓ આગામી દિવસોમાં પોતાનો પદભાર સંભાળશે, જેનાથી રાજ્યના વહીવટમાં નવી ઊર્જાનો સંચાર થવાની ધારણા છે. રાજકોટ મ્યુનિસિપલના રિજનલ કમિશનર મહેશ શાંતિલાલ જાનીની અમદાવાદમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ગુજરાત રાજ્ય)ના ચેરમેન તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર-2ના નાયબ કલેક્ટર ડી કે પંડ્યાની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટીવ તરીકે બદલી કરવામાં આવી છે. જૂનાગઢના ડીડીઓ એચ.પી. પટેલની સાબરકાંઠા-હિમતનગરના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.