જૂનાગઢમાં ભારતી આશ્રમના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા બાદ તેના ગુરુ મહંત હરિહરાનંદ બાપુએ આકરા નિર્ણય લીધા છે. મહાદેવ ભારતી બાપુને લઘુમહંત તરીકે દૂર કરાયા છે. તો બીજી તરફ મહાદેવ ભારતી બાપુ ભાનમાં આવ્યા છે અને સ્વસ્થ થયા બાદ હજુ સુધી તેઓને થયેલી મુશ્કેલી અને માનસિક ત્રાસ બાબતે થયેલી મુશ્કેલીઓ અંગે નિવેદન કે કાર્યવાહી અંગે ફોડ પાડ્યો નથી.
૮૦ કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી બેભાન મળ્યા હતા
જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ ભારતી આશ્રમ છેલ્લા છ દિવસથી ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને એકાએક ગુમ થઈ ગયા હતા. જેમાં પાંચ ઇસમો સામે માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો. ૮૦ કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાં ઈંટવા ઘોડીએથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જોકે તે ભાનમાં આવ્યા બાદ આજે તેના ગુરુજી ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુએ મહાદેવ ભારતી બાપુને લઘુ મહંત તરીકે દૂર કર્યા છે. તેટલું જ નહીં ભારતી આશ્રમનું સંચાલન પણ મહાદેવ ભારતી કરી રહ્યા હતા અને તેઓની પાસે અન્ય જવાબદારી પણ હતી તે તમામ જવાબદારીમાંથી તેઓને દૂર કરાયા છે.
તમામ જવાબદારીઓ તેની પાસેથી છીનવી લેવામાં આવી
સાથે જ ભારતી આશ્રમ દ્વારા સંચાલિત જુનાગઢ, નર્મદા અને સરખેજ આશ્રમની તમામ જવાબદારીઓ હરીહરાનંદ બાપુ પોતે જ સંભાળશે તેવો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત કોઈપણ શિષ્ય ત્રણ દિવસથી વધુ આશ્રમમાં રોકાઈ નહીં શકે સહિતના અનેક આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હરીહરાનંદ બાપુના જણાવ્યા મુજબ લઘુ મહંત તરીકે મહાદેવ ભારતી બાપુને હટાવ્યા બાદ હવે આશ્રમ સાથે તેને કાંઈ લેવાદેવા નથી. જોકે ગુરુ શિષ્ય મટી જવાના નથી પણ આશ્રમની દેખરેખ સહિતની તમામ જવાબદારીઓ તેની પાસેથી છીનવી લેવામાં આવી છે અને આશ્રમેથી જ હટાવવામાં આવ્યા છે.
મહાદેવ ભારતી બાપુએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું
લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી પાસેથી મળી આવ્યા બાદ બેભાન હતા. ત્યારબાદ તેઓને સિવિલ હોસ્પિટલે આઇસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. બાપુની તબિયત સ્વસ્થ છે અને ભાનમાં પણ આવી ગયા પરંતુ તેઓએ સુસાઇડ નોટ, માનસિક ત્રાસ તેમજ ગુરુ મહંત હરિહરાનંદ બાપુ દ્વારા લઘુ મહંત તરીકે દૂર કરાયાના નિર્ણય સહિતની બાબતો અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો અને નિવેદન આપવાનું ટાળ્યું હતું. આશ્રમમાંથી રાતોરાત નીકળી જવું ત્યારબાદ સુસાઇડ નોટ મળવી જેમાં પાંચ ઈસમોના નામો લખેલા હતા તેઓ સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ? સહિતના મુદ્દે પણ પ્રત્યુતર અપાયો નથી.
ગુમ થવાનું કારણ શું? તે અંગે ચર્ચાઓ વ્યાપક બની
અત્યાર સુધીમાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી પણ કરી નથી. જેથી છેલ્લા પાંચ દિવસથી ચર્ચામાં રહેલા ભારતી આશ્રમમાંથી લઘુ મહંતને દૂર કરાતા હાલ પૂરતો તો આશ્રમમાં છેલ્લા કેટલાક દિવસથી રહેલો ચર્ચાનો મુદ્દો સમ્યો છે. પરંતુ પ્રશ્નો યથાવત છે. મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ પણ કશું કહેવાનું કે કોઈ કાર્યવાહી કરવાનું હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પોલીસ તંત્રને પણ રાહત થાય છે. પરંતુ સેવકો, સંતો-મહંતો, શહેરીજનો સહિતનાઓમાં મુખ્યત્વે ગુમ થવાનું કારણ શું? તે અંગે ચર્ચાઓ વ્યાપક બની છે.