મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ઉમરાનાલા વિસ્તારમાં ગુરુવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. MP28 P 0321 નંબરની એક ખાનગી બસ અને પિકઅપ વાહન વચ્ચે સિમરિયા પાસે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોના ડ્રાઈવર સહિત 10 લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા.
મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 47 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો છિંદવાડા પોલીસ લાઈન ખાતે આયોજિત 'હિતગ્રાહી સંમેલન' માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ગ્રામીણોને લઈને જઈ રહેલી બસ કાળનો કોળિયો બની હતી.
આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક માસૂમ બાળકનો હાથ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો, જ્યારે અનેક મુસાફરોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના આશ્રિતોને 4-4 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.