અમરેલી જિલ્લામાં આભ ફાટતાં પૂરની સ્થિતિ ગંભીર બની છે, જેમાં જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે મોરચો સંભાળવા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધારાસભ્ય પોતે જીવના જોખમે પૂરના ધસમસતા પ્રવાહમાં ઊતરીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક સરકારી શાળામાં આશ્રય અપાવ્યો હતો, તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા ખાસ અપીલ કરી હતી. રાજુલામાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
બીજી તરફ, અતિભારે વરસાદને પગલે રાજુલા-સાવરકુંડલા મુખ્ય હાઇવે પર થોરડી બાયપાસ પાસે નાળાનું કામ ચાલુ હોવાથી ત્યાં મોટા પાયે પાણી ભરાઈ જતાં આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેને કારણે પ્રશાસન દ્વારા રાજુલા, અમરેલી અને રાજકોટ તરફ જતા લોકોને હાલ આ રસ્તે ન જવા કડક સૂચના આપવામાં આવી છે.
ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા, રાજુલા સહિત 10થી વધુ ગામોને હાઈ એલર્ટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ધાતરવડી-2 સિંચાઇ યોજનામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીની તોતિંગ આવક થઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી હાલ 52220 ક્યુસેક પાણીનો ભયજનક આઉટફ્લો ધાતરવડી નદીમાં છોડાઈ રહ્યો છે. ઉપરવાસમાં આવેલો ધાતરવડી-1 ડેમ પણ ઓવરફ્લો થવાની અણી પર હોવાથી હજુ પણ વધુ પાણી છોડાય તેવી શક્યતા છે, જેને પગલે નદીઓમાં ઘોડાપૂર સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના સંકટને ધ્યાને રાખી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવા કે રાજુલા શહેર, ખાખબાઇ, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-2, લોઠપુર અને કોવાયા સહિતના ગામોને હાઈ એલર્ટ કરી સ્થાનિકોને નદી-નાળા કે વહેતા પાણીમાં ન જવા તેમજ અત્યંત સાવચેત રહેવા કડક અપીલ કરવામાં આવી છે.
સાવરકુંડલાના ગીણીયામાં રસોઈ બનાવતી વખતે દીવાલ ધરાશાયી, મહિલાને ગંભીર ઈજા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. સાવરકુંડલાના ગીણીયા ગામમાં ભારે વરસાદના કારણે અચાનક એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન સકુરભાઈ માંગુડા દીવાલના કાટમાળ નીચે ગંભીર રીતે દબાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી અતિ ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.