રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલિશન કાર્યવાહી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપતો હુકમ કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં આપવામાં આવેલી 202 હેઠળની નોટિસ રદ કરી છે અને જમીન વિવાદ ટ્રિબ્યુનલ (GRT)ને 90 દિવસની અંદર સમગ્ર કેસનો નિકાલ કરવા સ્પષ્ટ હુકમ આપ્યો છે. સાથે જ, 2010ના પુનર્વસન સંબંધિત સર્ક્યુલરને ખાસ ધ્યાનમાં લેવા પણ ટ્રિબ્યુનલને તાકીદ કરવામાં આવી છે. ત્યારે આજકાલ ડિજિટલની ટીમ જંગલેશ્વર પહોંચી હતી અને સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં હિન્દુ માટે દિવાળી અને મુસ્લિમ માટે ઇદ જેવો માહોલ છે.
જંગલેશ્વરમાં 40 હજાર જેટલા લોકો રહે છે
વધુમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં 40 હજાર જેટલા લોકો રહે છે અને ત્રણથી ચાર હજાર જેટલા ઘરો છે. અહીં સાત દિવસ સુધી લોકો ભૂખ્યા રહ્યા હતા. મીડિયાએ અમારો ખૂબ જ સાથ આપ્યો છે. અમને ન્યાય અપાવવામાં સાથ સહકાર મળ્યો છે. આજે ખૂબ જ રાજીપો વ્યક્ત કરીએ છીએ કે અમને ત્રણ મહિનાનો સમય મળ્યો છે. અમારી એક જ માંગણી છે કે અમારા વિસ્તારને રેગ્યુલાઈઝ કરવામાં આવે.
અમારા વિસ્તારને રેગ્યુલાઈઝ કરવામાં આવે
વધુમાં જણાવ્યું હતું કે, આજે એમ કહેવાય કે, હિન્દુ માટે દિવાળી અને મુસ્લિમ માટે ઈદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમારા ગરીબ લોકોના આંસુડા લૂછવામાં અમે ક્યાંકને ક્યાંક સફળ થયા છીએ. હજુ પણ તંત્ર અને સરકાર પાસે બે હાથ જોડીને એટલી જ અરજ કરીએ છીએ કે અમારા વિસ્તારને રેગ્યુલાઈઝ કરવામાં આવે. માનનીય હાઇકોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો એ બદલ માનનીય હાઇકોર્ટનો ખૂબ ખૂબ આભાર.
એકતાની જીત થઈ છે
એક યુવકે જણાવ્યું હતું કે 'ના હિન્દુ બનેગા, ના મુસમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા' આપણે લોહીની જરૂર પડે ત્યારે પૂછીએ છીએ કે આ લોહી હિન્દુનું છે કે મુસલમાનનું. તો આપણું બધુ એક જ છે. આપણે વાડા પાડી નાખ્યા છે. બધાએ એક રહીને લડવું જોઈએ. એકતાની જીત થઈ છે. મોટો ફાળો એકતાનો છે.