વડોદરામાં સેવાયજ્ઞ શરુ કરનાર સ્વ. અનુબેન ઠક્કરને મરણોત્તર ગુજરાત ગરિમા એવોર્ડ-2023 એનાયત

  • May 02, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સેવા અને સહકારિતા ક્ષેત્રે સ્વ.અનુબેન ઠક્કરને મરણોત્તર ગુજરાત ગરિમા એવોર્ડ-2023 દ્વારા સન્માનિત કરી તેમના પ્રતિનિધિને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વડોદરાના ગોરજમાં આવેલ મુનિ સેવા આશ્રમના સ્થાપક તથા તેમના ગુરુ પૂજ્ય મુનીદાસ મહારાજની દૈવી પ્રેરણાથી વર્ષ 1978માં સ્થાનિક આદિવાસી સમુદાયો તેમજ અન્ય જરિયાતમંદોને આરોગ્ય અને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ સરળતાથી મળી રહે, તેવા ઉમદા હેતુથી અજાણ્યા પ્રદેશ એવા વડોદરા જિલ્લાના ગોરજ ખાતે નાનકડી ઝૂંપડી ઉભી કરીને સેવાયજ્ઞની શરૂઆત કરી હતી.
શઆતમાં ગામનાં આદિવાસી તેમજ અન્ય સમુદાયના બાળકોને પોતાની સંસ્થામા રમવા માટે બોલાવીને તેમજ સ્થાનિકો સાથે સતત સંપર્કમાં રહીને, તેઓએ પોતાની સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો પ્રત્યે સ્થાનિકોનો વિશ્વાસ જીતી લીધો. જેનાં પરિણામે, આરોગ્ય અને શિક્ષણની મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે ગ્રામજનો સંસ્થામાં જવા લાગ્યા. આમ, અનુબેનના પ્રયત્નોથી ગોરંજની મધ્યમાં એક નાનકડી સંસ્થા મુનિ સેવા આશ્રમ તરીકે આકાર પામી.
મુનિ સેવા આશ્રમ ગુજરાતના વડોદરા જિલ્લાનાં વાધોડિયા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોરજ ગામે છેવાડાના માનવીનાં સ્વાસ્થ્ય,શિક્ષણ, સામાજિક ઉત્થાન અને રોજગારીની તકોના નિમર્ણિની સાથે સાથે પ્રાકૃતિક સંસાધન - સંવર્ધન જેવા ક્ષેત્રોમાં સતત 45 વર્ષોથી અવિરત સેવાકાર્યો કરતી ઉત્તમ સેવાભાવી સંસ્થા છે. તેણીશ્રીની રાહબરી હેઠળ ગોરજ ખાતે પહેલાં બાલમંદિર અને ત્યારબાદ પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવેલ હતી. એ સમયે બાળકોનાં પરિવારોની આર્થિક અને સામાજિક સ્થિતિ, પૂરતા પોષણ અને અન્ય આરોગ્યપ્રદ વાતાવરણના અભાવે બાળકોમાં બીમારીઓ જોવા મળતી અને તેમની આ સ્વાસ્થ્ય જરિયાતોને ન્યાય આપવાં સારું પૂજ્ય બહેનની વિનંતીને માન આપીને તે સમયે વડોદરાની મેડિક્લ કોલેજમાં નો અભ્યાસ કરતાં ડો. વિક્રમ પટેલે સન 1982થી આશ્રમ ખાતે તબીબી સેવાઓ આપવાનું શરુ કર્યું અને ત્યારબાદ પૂર્ણ શ્રદ્ધા અને પોતાનાં અંતરનો અવાજ સાંભળીને, તેઓ સન 1983થી પૂર્ણસમય માટે સંસ્થા સાથે જોડાયાં અને આ સાથે જ સંસ્થાની સમાજોપયોગી પ્રવૃત્તિઓને બમણો વેગ મળ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application