પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનની ગઈકાલ રાત્રીના ખાખડાબેલા ગામ નજીક તેમની કાર પાસે છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ અને એલસીબીલીટી ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાખડાબેલામાં જ રહેતા ત્રણ શખસો વિરુદ્ધ અગાઉ મૃતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હોય જેમાં બે આરોપીઓ વોન્ટેડ છે. આ આરોપીઓ દ્વારા વારંવાર કેસમાં સમાધાન કરવા માટે મૃતકને કહ્યું હતું પરંતુ મૃતક સમાધાન ન કરતા તેનો ખાર રાખી હત્યા કર્યનું સામે આવ્યું છે. ખાખડાબેલામાં જ રહેતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના બે શખસોને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) નામના યુવાન પર બુધવારે રાત્રીના અજાણ્યા શખસોએ ખાખડાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર કાર પાસે છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ખાખડાબેલા ગામ નજીક રોડ પર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. જેથી પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણ સહિતનો સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. પોલીસે અહીં આવી જોતા યુવરાજસિંહનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ તેની હેરિયર કાર નજીક પડ્યો હોય જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મૃતક યુવરાજસિંહ ખાખડાબેલામાં રહેતા હતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝિંગનો વ્યવસાય કરતા હતા ફાઇનાન્સ કંપનીઓના બાકી લોન વાળા વાહનો કબજે લેવાનું તેમજ રિકવરી સંબંધિત કામ સાથે તેઓ સંકળાયેલા હતા. હત્યાના આ બનાવને લઈ પડધરી પોલીસમાં મથકના સ્ટાફ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મૃતક યુવરાજસિંહે વર્ષ 2024 માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ- પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતોવખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોય જે બાબતનો ખાર રાખી ગઈકાલ રાત્રીના બંને આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી દઇ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ખાખડાબેલામાં જ રહેતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.