હાપા માર્કેટ યાર્ડ પર ફરી લહેરાયો કેસરીયો: ભવ્ય જીત

  • February 06, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા માર્કેટ યાર્ડમાં ખેડુત-વેપારી વિભાગની ભાજપ પ્રેરીત પેનલોની ભવ્ય જીતનો જશ્ન....
હાપા માર્કેટીંગ યાર્ડની ખેડુત વિભાગની પેનલના ઉમેદવારોએ આ ચુંટણીમાં શાનદાર જીત મેળવતા ખેડુત વિભાગના અગ્રણીઓએ આ જીતને વધાવીને મો મીઠા કરાવીને ફટાકડા ફોડયા હતા, આમ હાપા માર્કેટીંગ યાર્ડમાં ફરીથી કેસરીયો લહેરાયો છે, આજ સવારથી જ માર્કેટીંગ યાર્ડમાં મત ગણતરી હોય મોટી સંખ્યામાં ખેડુતો અને વેપારીઓ પરિણામ જાણવા માટે આવી પહોચ્યા હતા અને બંને પેનલમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે તેમજ ભાજપના જ બે બળવાખોરોની કારમો પરાજય થયો છે. મત ગણતરી ચાલતી હતી ત્યારે જ પ્રથમ રાઉન્ડથી જ લોકોનો ટ્રેન્ડ ભાજપ તરફી જોવા મળ્યો હતો અને ત્યારબાદ પાંચ રાઉન્ડમાં તો ભાજપના તમામ ઉમેદવારોએ ધીંગી સરસાઇ મેળવી લેતા તેમના વિજયના માનમાં ખેડુતોએ ખુશાલી વ્યકત કરી હતી.

***
સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના આગેવાનોએ ઘડેલી વ્યૂહરચના સફળ રહી: કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને એમની ટીમ તથા જિલ્લા ભાજપના સંગઠન દ્વારા યાર્ડ પર ફરી સતા લાવવા ખુબ મહેનત કરાઇ: ભાજપ પ્રેરિત પેનલનું  બુલડોઝર ફરી વળ્યું: વન સાઇડ જેવા પરિણામ: હરીફ પેનલના ભૂક્કા બોલી ગયા: બગાવત કરનારા ભાજપના બે ચહેરાનો પણ કારમો પરાજય: ખેડૂત અને વેપારી બન્ને વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલોનો જય જયકાર

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હાપા માર્કેટીંગ યાર્ડ પર ફરી એક વખત કેસરીયો ઝંઝાવાત ફરી વળ્યો છે, યાર્ડની ચૂંટણીના આજે આવેલા પરિણામમાં ભાજપ પ્રેરિત પેનલોનું જાણે બુલડોઝર ફરી વળ્યું હોય એ રીતે પરિણામ આવ્યા છે, વેપારી પેનલનો ભવ્ય વિજય થયો હતો, તો એ જ રીતે ખેડૂત વિભાગની ભાજપની પેનલના તમામ ૧૦ ઉમેદવારોને જંગી લીડ પ્રાપ્ત થઇ છે અને વધુ એક વખત હાપા માર્કેટીંગ યાર્ડ પર કેસરીયો લહેરાયો છે, અત્રે નોંધનીય છે કે હાપા માર્કેટ યાર્ડ પર ભાજપનું શાસન અકબંધ રાખવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ અને સહકારી ક્ષેત્રના ભાજપના આગેવાનો તથા જિલ્લાની સંગઠ્ઠન પાંખે ઘડેલી વ્યૂહરચના સફળ થઇ છે.
હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આમ તો એકતરફી રહેવાની પ્રારંભમાં શકયતા હતી જ, પરંતુ થોડી ઉથલપાથલ અને ઉત્તેજના ત્યારે સર્જાઇ હતી જયારે ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા હતાં અને તેમાં બે નામ કપાયા હોવાથી અહીંથી ગાંધીનગર સુધી મોબાઇલની ઘંટડીઓ રણકી ઉઠી હતી, કહેવાય છે કે સહકારી ક્ષેત્રના આગેવાનોએ ગાંધીનગરમાં પડાવ પણ નાખ્યો હતો અને પાછળથી નવા મેન્ડેટમાં બે ઉમેદવારોના નામ આવી જતાં વિવાદ પર પૂર્ણવિરામ મકાઇ ગયું હતું.
આ પછી પણ એવું લાગતું હતું કે, કદાચ યાર્ડને સમરસ કરવામાં સફળતા મળશે, પરંતુ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને એમની જયશ્રી રામ ખેડુત હીત રક્ષક પેનલમાં ભાજપના જ બે રુઠેલાઓ પણ ભળી જતાં આ બાબતને લઇને ચૂંટણી થોડી રસપ્રદ બની હતી અને ખાસ કરીને ખેડુત વિભાગની ચૂંટણીમાં નવા-જૂની સર્જાઇ શકે એવી શક્યતા જે દેખાતી હતી, તે ઠગારી નીવડી છે અને વનસાઇડ જેવા પરિણામ આવતા સામેની પેનલને રીતસરની ધોબીપછડાટ લાગી છે.
ગઇકાલે મતદાનની પ્રક્રિયા હતી, એક તરફ ભાજપ પ્રેરીત પેનલ અને બીજી તરફ ખેડુત હિત રક્ષક પેનલ માટે બંને વિભાગમાં ભારે મતદાન થયું હતું અને કુલ મતદાનની ટકાવારી ૯૫.૨૮ ટકા નોંધાઇ હતી જે રેકર્ડબ્રેક કહેવાય. વેપારી વિભાગમાં તો સો એ સો ટકા મતદાન થયું હતું, આજ સવારથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો, શરુઆતથી જ ભાજપનો વિજય વાવટો જાણે ફરકવા લાગ્યો હોય એ રીતે પરિણામ આવતા હતા, સૌપ્રથમ ભાજપ પ્રેરિત વેપારી પેનલનો સવારે ૯.૩૦ કલાકે જંગી બહુમતીથી વિજય ઘોષિત કરી દેવાયો હતો અને આ પછી ખેડૂત વિભાગની મત ગણતરીનો પ્રારંભ થયો હતો, જેના દરેક રાઉન્ડના અંતે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોને સતતને સતત ધીંગી બહુમતિ પ્રાપ્ત થતી હતી.
કુલ ૭૦૦ માંથી બપોરે ૧ કલાક સુધીમાં પ૦૦ મતની થયેલી મત ગણતરી બાદ ભાજપની ખેડૂત પેનલ ધીંગી બહુમતીથી વિજય તરફ આગળ વધી ગઇ હતી અને હરીફ પેનલના એક માત્ર વશરામભાઇ રાઠોડ થોડા ઘણાં મત મેળવી શક્યા હતા, જો કે એ પણ નોંધપાત્ર રહ્યા ન હતા, આ અહેવાલની સાથે ભાજપની વેપારી અને ખેડૂત વિભાગની પેનલને મળેલા મત આપવામાં આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે કેટલી તોતિંગ બહુમતિ ભાજપ પ્રેરિત પેનલને પ્રાપ્ત થઇ છે.
હાલમાં ભાજપનો એવો ઝંઝાવાત છે કે, કદાચ તેમાં રહ્યા બાદ પણ એ પક્ષની સામે પડો તો તમે હતા ન હોતા થઇ જાવ છો, આવો જ દાખલો યાર્ડમાં પણ જોવા મળ્યો છે, કારણ કે ભાજપથી રુઠેલા મનહરસિંહ પરબતસિંહ જાડેજા અને વિઠ્ઠલભાઇ નાનજીભાઇ માંડવીયા અનુક્રમે પ૦૦ મત ગણાયા ત્યાં સુધી માત્ર બાવન અને ૩૧ મત જ મેળવી શક્યા છે અને એમને બગાવત કરવી ભારે પડી ગઇ છે.
ખેડૂત વિભાગમાં કુલ પડેલા ૭૧૯ મત માંથી આ લખાય છે ત્યારે બપોરે ૧.૩૦ કલાકે ૬૦૦ મતની પૂર્ણ થયેલી ગણતરીમાં ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારોને તોતીંગ બહુમતી પ્રાપ્ત થઇ ગઇ છે અને વધુ એક વખત હાપા માર્કેટીંગ યાર્ડ પર ભગવો લહેરાયો છે.
**
વેપારી વિભાગની ભાજપ પ્રેરિત વિજેતા પેનલ
કોટેચા હિરેન વિજયભાઈ    ૭૩
ભંડેરી સંજય જગદીશભાઈ    ૭૬
મહેતા વિરેશ મનસુખલાલ    ૭૭
સાવલિયા જયેશ રતીલાલ    ૬૧
***
ખેડૂત વિભાગની ભાજપની વિજેતા પેનલ
(૬૦૦ મતની ગણતરી બાદ તોતિંગ સરસાઈ)

કોરડિયા વિપુલ ચંદ્રેશભાઈ પટેલ    ૫૦૦
છૈયા અશ્ર્વિનભાઈ વિનોદભાઈ    ૫૧૮
જાડેજા ઉમેદસંગ ભવાનસંગ    ૪૮૭
જાડેજા પ્રદ્યુમ્નસિંહ માલુભા    ૫૧૧
ઝાલા જયપાલસિંહ પ્રવિણસિંહ    ૫૦૫
પરમાર જીતેનભાઈ કરશનભાઈ    ૪૮૦
ભીમાણી દયાળજીભાઈ મોહનભાઈ    ૫૦૩
ભંડેરી જમનભાઈ ડાયાભાઈ    ૪૯૬
સભાયા મુકૂંદભાઈ ખોડાભાઈ    ૪૯૫
સોજીત્રા ચંદ્રેશભાઈ રામજીભાઈ    ૪૯૪
***
યાર્ડની ચૂંટણીમાં ભાજપની સામે હરીફ પેનલની રામનું નામ વટાવવાની કારી ચાલી નહીં
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની સામે જયશ્રી રામ ખેડૂત હિતરક્ષક પેનલના નામે ૭ ઉમેદવારો ઉભા રહ્યા હતા અને એક રીતે તાજેતરમાં અયોઘ્યામાં રામમંદિરના થયેલા પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને કદાચ આ પેનલ દ્વારા પોતાની પેનલનું નામ જયશ્રી રામ ખેડૂત હિતરક્ષક પેનલ રાખવામાં આવ્યું હોય શકે, પરંતુ જે રીતે પરિણામ આવ્યા છે, તેને જોતા એવું સ્પષ્ટ થાય છે કે ભાજપની સામે હરીફ પેનલને રામનું નામ પણ કામ આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application