BREAKING NEWS

કટારીયા ચોકડી આવાસ યોજનાને લાગ્યું રાજકીય ગ્રહણ, ભાજપના જ નેતાઓએ પ્લોટનો હેતુફેર કરવા સ્ટે.ચેરમેનને કરી રજૂઆત

  • June 23, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટ સિટી રાજકોટમાં કટારીયા ચોકડી પાસે સાકાર થનારી મુખ્ય રોડ ટચ આવાસ યોજના શરૂ થાય તે પહેલાં જ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. આશરે 576 ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટેની આ આવાસ યોજનાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પૂર્વે જ તેને રાજકીય ગ્રહણ લાગ્યું છે. નવાઈની વાત એ છે કે, શાસક પક્ષ ભાજપના જ મહામંત્રી અને કોર્પોરેટરે આ યોજનાનો વિરોધ કરીને મોંઘાથાટ પ્લોટનો હેતુફેર કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રપોઝલના બહાને આ કિંમતી જમીનને આવાસ યોજનામાંથી મુક્ત કરાવી અન્ય હેતુ માટે વાપરવાના કાવાદાવા શરૂ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રોડ ટચ પ્લોટને બદલે આવાસ યોજના 60 ફૂટના રોડ પર ખસેડવા દબાણ

મળતી વિગતો અનુસાર, ભાજપના મહામંત્રી વલ્લભભાઈ દૂધત્રા અને સ્થાનિક કોર્પોરેટર દિલીપ લુણાગરીયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાને રજૂઆત કરવામાં આવી છે. આ નેતાઓની માંગ છે કે કટારીયા ચોકડી નજીક જે મુખ્ય હાઈવે ટચ પ્રાઇમ લોકેશન પર આવાસ યોજના મંજૂર થઈ છે, તેને ત્યાંથી હટાવીને પાછળના ભાગે આવેલા 60 ફૂટના રોડ પર ખસેડવામાં આવે. આ રોડ ટચ પ્લોટનો હેતુફેર કરીને કોર્પોરેશન તેને વ્યાપારી હેતુ માટે વેંચી નાખે તો તંત્રને કરોડો રૂપિયાની મોટી આવક થઈ શકે છે, તેવી દલીલ આ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


સરકાર પાસે જ સત્તા છે, પ્રક્રિયા નિયમ મુજબ થશે: સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

આ સમગ્ર મામલે ભારે ચર્ચા જાગ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ મીડિયા સમક્ષ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ગઈકાલે જ ભાજપના પદાધિકારીઓ દ્વારા આવાસ યોજનાના પ્લોટનો હેતુફેર કરવા અંગે મને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, કોઈપણ મંજૂર થયેલા પ્લોટનો હેતુફેર કરવાની આખરી સત્તા માત્ર ગુજરાત સરકાર પાસે જ છે. આ માટે મહાનગરપાલિકા સીધો નિર્ણય લઈ શકે નહીં અને આ અંગે રાજ્ય સરકારમાં જ યોગ્ય દરખાસ્ત અને રજૂઆત કરવી પડે." હવે જોવાનું એ રહેશે કે ગરીબોના આવાસના ભોગે આ પ્રાઇમ લોકેશનની જમીન બિલ્ડરો કે વ્યાપારી હેતુ માટે ડાયવર્ટ થાય છે કે કેમ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application