BREAKING NEWS

સલમાન પર ભડક્યા ‘કાલા હિરન’ના પ્રોડ્યુસર અમિત જાની

  • July 02, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને આગામી ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ વચ્ચેનો વિવાદ સતત વણસી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની સલમાન ખાનની અરજી પર સુનાવણી થઈ હતી, જેને કોર્ટે હવે 6 જુલાઈ સુધી ટાળી દીધી છે. કોર્ટમાંથી સલમાન ખાનને તાત્કાલિક કોઈ રાહત ન મળતાં, ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પર સલમાન ખાનને આડે હાથ લેતા આકરો કટાક્ષ કર્યો છે.
પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, આજે પણ સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ફિલ્મ પર કોઈ પ્રતિબંધ મુકાયો નથી. તેમણે ઉમેર્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે અદાલત માટે કોઈ સ્ટાર નથી અને તેઓ કોઈ ગ્લેમરને માનતા નથી. પોતાને બોલિવૂડના બાપ સમજવાથી ‘કાલા હિરન’ની રિલીઝ અટકશે નહીં. આ ફિલ્મ દુનિયાભરમાં એકસાથે 8000 સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સલમાન ખાને હાઈકોર્ટમાં અરજી કરીને આ ફિલ્મની રિલીઝ અટકાવવા અને તેના મેકર્સ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. સલમાન ખાનનું માનવું છે કે આ ફિલ્મ વર્ષ 1998ના પ્રખ્યાત કાળિયાર શિકાર મામલા પરથી પ્રેરિત છે, જેનાથી તેમની છબી ખરડાઈ શકે છે. જો કે ફિલ્મમાં સલમાનનું નામ ક્યાંય સીધું લેવામાં આવ્યું નથી, પરંતુ સલમાન ખાનના વકીલોનો દાવો છે કે ફિલ્મના પોસ્ટર, પ્રમોશનલ મટીરિયલ અને પાત્રનો લુક સલમાન ખાન સાથે ઘણો મળતો આવે છે, જે સ્પષ્ટપણે તેમના તરફ ઈશારો કરે છે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે જસ્ટિસ જ્યોતિ સિંહે પૂછ્યું કે શું ફિલ્મ અત્યારે જ રિલીઝ થવાની છે? ત્યારે ફિલ્મના મેકર્સના વકીલે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ફિલ્મની કોઈ સત્તાવાર રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી. હવે આ મામલે આગામી સુનાવણી 6 જુલાઈએ થશે, જેના પર સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application