BREAKING NEWS

જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપઃ માંગરોળમાં 10 ઈંચ વરસાદ, જાણો 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા

  • July 02, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના વાતાવરણમાં એકસાથે 5 શક્તિશાળી વેધર સિસ્ટમ (ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થઈ છે. જેના કારણે આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના સત્તાવાર આંકડા મુજબ, આજે ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.


જૂનાગઢ જિલ્લામાં આકાશી આફત, માંગરોળમાં સૌથી વધુ વરસાદ

આજના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં માંગરોળમાં ૧૦, કેશોદમાં ૯.૭૫, માણાવદરમાં ૮.૫, માળીયાહાટીનામાં ૭.૫, વંથલીમાં ૪, ગિરનાર પર્વત પર 3, જૂનાગઢ અને મેંદરડામાં અઢી, વિસાવદર અને મેંદરડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.


ગીર સોમનાથ અને સુરતમાં પણ મેઘરાજા રીઝ્યા

જૂનાગઢની સાથોસાથ ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદે વિરામ લીધો નથી. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવારના સમયે જ ભારે કરંટ જોવા મળ્યો હતો અને ત્યાં કુલ ૧૩૧ મિમી (૫.૧૬ ઈંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ-વેરાવળમાં ૧૦૪ મિમી (૪.૦૯ ઈંચ) અને કોડિનારમાં ૬૩ મિમી (૨.૪૮ ઈંચ) વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડમાં ૯૪ મિમી એટલે કે આશરે ૩.૭ ઈંચ વરસાદ ઝીંકાયો છે, જ્યારે સુરત સિટી અને ચોર્યાસીમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.


મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય વડોદરાના શિનોરમાં ૭૫ મિમી (૨.૯૫ ઈંચ), ભરૂચના હંસોટ અને વાલિયામાં ૫૨ મિમીથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ દાહોદના ગરબાડામાં ૫૪ મિમી, જામનગરના જામજોધપુરમાં ૫૨ મિમી અને બોટાદના ગઢડામાં ૪૯ મિમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી અને સાંજે ૪ વાગ્યા સુધીમાં ૫૯ મિમી (૨.૩૨ ઈંચ) વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના ૧૦૦થી વધુ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાને કારણે નદી-નાળાઓ છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલ હોવાથી વહીવટી તંત્ર આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application