જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટી અને ભવનાથ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર, જે તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે, તેમણે ભવનાથના અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાં પોતાની લક્ઝરી બસ ઘુસાડી દેતા મોટો વિવાદ ઊભો થયો છે.
જૂઓ વીડિયો
https://www.instagram.com/reels/DUsyzv9AIRi/
જ્યાં વીઆઈપી પણ ચાલીને જાય છે, ત્યાં જયરાજે દોડાવી બસ
જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો નજીક હોય અથવા સામાન્ય દિવસોમાં પણ, ભવનાથ તળેટીના અમુક વિસ્તારોમાં વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોય છે. જે માર્ગ પર રાજ્યના મંત્રીઓ કે ઉચ્ચ IAS અધિકારીઓ પણ પ્રોટોકોલ મુજબ ચાલીને જાય છે, ત્યાં જયરાજ આહીર ખુલ્લેઆમ મોટી બસ લઈને પહોંચી ગયા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ જયરાજના તેવરમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને તેમણે તંત્રના નિયમોને નેવે મૂકી દીધા છે.
કલેક્ટર એક્શન મોડમાં
આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂનાગઢ કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. બસ ચેકપોસ્ટ કે પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પ્રવેશી? તે સમયે ફરજ પરના પોલીસ કર્મીઓ ક્યાં હતા? તે અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.