જસદણના સાણથલીના યુવકે ધંધાની જરૂરિયાત માટે વ્યાજે રકમ લેતા અજગર ભરડામાં ફસાયો

  • March 28, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણના સાણથલીમાં રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે વ્યાજ રકમ લીધા બાદ વ્યાજના ચક્રમાં ફસાયો હતો. ત્રણ શખસો પાસેથી ચેક અને જમીનના કાગળો ગીરવે મૂકી વ્યાજે રકમ લીધી હતી. જે ચૂકવી ન શકતા હવે આ શખસો પઠાણી ઉઘરાણી કરતા હોય યુવાને આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા હાર્દિક મનસુખભાઈ રૂપારેલીયા (ઉ.વ 31) નામના યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાણથલીમાં રહેતા રવિરાજ વીરકુભાઈ બસીયા, યુવરાજ વાળા અને જસદણના જુના પીપળીયા ગામે રહેતા જયરાજ ગીડાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પૂર્વે તેણે દેરડી કુંભાજી બાયપાસ જકાતનાકા પાસે સર્વિસ સ્ટેશન ચાલુ કર્યું હતું જેમાં ઓઇલ અને બેટરી તથા ઓટો પાર્ટ્સના માલસામાનનો વેપાર કરતો હતો. જે સામાન તે જુનાગઢ તથા આટકોટમાથી ખરીદ કરતો હતો તે સમયે ધંધામાં મંદી હોય આર્થિક નુકસાન થયું હોય જેથી તેણે સાણથલીના રવિરાજ બસીયાને વાત કરી હતી કે મારે પૈસાની જરૂર છે બાદમાં રવિરાજ ગામમાં મળ્યો હતો અને તેની પાસેથી રૂપિયા 60,000 લીધા હતા જે માટે બે કોરા ચેક આપ્યા હતા રવિરાજ એ કહ્યું હતું કે, તારે મને દરરોજના 600 રૂપિયા વ્યાજ આપવું પડશે તેમ કહેતા યુવાને હા કહી હતી. બાદમાં યુવાન દસ દિવસનું વ્યાજ એક સાથે આપતો હતો આ રીતે યુવાને આખરે આઠેક મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું.


બાદમાં તેને ગેરેજના ધંધામાં મંદી આવતાં બંધ થઈ જતા આર્થિક જરૂરિયાત અને આ રવિરાજને વ્યાજ ચૂકવવાનું હોય જેથી યુવરાજ વાળા પાસેથી રૂપિયા 30,000 દરરોજના 300 રૂપિયા લેખે વ્યાજ લીધા હતા અને તેણે કહ્યું હતું કે હું છેલ્લે બધા રૂપિયા વ્યાજ સહિત આપી દઈશ. પરંતુ યુવાન પાસે પૈસાની સગવડ ન થતા વ્યાજ કે મૂળ રકમ આપી શકયો ન હોય ત્યારબાદ રવિરાજ અને યુવરાજને વ્યાજ ચૂકવવાનું હોય જેથી જુના પીપળીયા ગામના જયરાજ ગીડા પાસેથી 1.50 લાખ વ્યાજે માંગતા તેણે કહ્યું હતું કે, તું મને જમીનના ૭/૧૨ આપ તો હું તને રૂપિયા આપું જેથી યુવાને જમીનના 7/12 અને બે કોરા ચેક આપ્યા હતા. બાદમાં આ શખસે દોઢ લાખ આપ્યા હતા અને તેને દર મહિને રૂ. 5,500 વ્યાજ આપવાની વાત થઈ હતી જયરાજને આજદિન સુધીમાં રૂપિયા 60,000 વ્યાજ આપ્યું છે અને આ 1.50 લાખમાંથી રવિરાજને 1 લાખ તથા સંબંધી પાસેથી ઉછીના લીધે રૂપિયા 30,000 તથા રૂપિયા 20,000 આપી દીધા હતા. બાદમાં યુવાન પૈસા ન ચૂકવી શકતા આ ત્રણેય શખસો પઠાણી ઉઘરાણી કરતા હોય ધમકી આપતા હોય જેથી અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી છે.


જેમાં રવિરાજ પાસેથી 60000 ના રૂપિયા બે લાખ ચૂકવી દીધા છે. જ્યારે જયરાજન પાસેથી રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂપિયા 60,000 ચૂકવી દીધા છે તથા યુવરાજ પાસેથી રૂપિયા 30,000 વ્યાજ લીધા હોય જેને કોઈ પૈસા ન ચૂકવ્યા હોવાનો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application