પીઠડ ગામમાં ખેડૂત પ્રૌઢને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુના બે કિસ્સા પોલીસ મથક સુધી પહોંચ્યા છે. જામનગર નજીક નેવી વાલસૂરામાં રહેતા એક કર્મચારીને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું છે. જ્યારે જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા એક ખેડૂત પ્રૌઢનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે.
જામનગર નજીક આઈ એન એસ વાલસૂરામાં એકોમોડેશન એરિયામાં રહેતા કિશોરભાઈ ભોગીલાલભાઈ જોશી (ઉંમર વર્ષ ૫૨ ) કે જેઓ ગઈકાલે પોતાના ઘેર સૂતા હતા, જે દરમિયાન તેઓને ઉઠાડતા ઉઠ્યા ન હતા, અને બેશુદ્ધ હાલતમાં તેઓને નેવીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગર જિલ્લાના જોડીયામાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ ભગવાનજીભાઈ ભોજાણી નામના ૫૨ વર્ષના ખેડૂતને પોતાના ઘરે છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિનોદભાઈ ભગવાનજીભાઈ ભોજાણીએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે તેમજ ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.