જામનગર જિલ્લાના મકાન માલિકો માટે ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

  • May 14, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના મકાન માલિકો માટે ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

જામનગર તા.14 મે, પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન- માલિકો પોતાના ઘરકામ માટે ઘરઘાટીની નિમણુંક કરે છે. મોટા ભાગે આવા ઘરઘાટીઓ બીજા જિલ્લાના કે અન્ય રાજ્યના હોય છે. ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર- નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન- માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય શ્રમિકોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવા ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી- સલામતી જળવાઈ રહે તે જરૂરી જણાય છે.

તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે અત્રે જણાવ્યા અનુસાર નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો ભરીને અને આધારો સંબંધિત જે-તે પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાના રહેશે. 

આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 04/07/2024 સુધી અમલમાં રહેશે.   

ઘરકામ માટે રાખેલા પરપ્રાંતીય વ્યક્તિ કે ઘરઘાટીની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી :-

(1) ઘરકામ માટે રાખેલા ઘરઘાટીનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ.
(2) ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.
(3) ઘરઘાટી સાથે બીજા માણસો રહેતા હોય તો તેનું નામ-સરનામું.
(4) કોઈના મારફતે ઘરઘાટીને કામે રાખ્યા હોય તો તેવા મધ્યસ્થીનું નામ- સરનામું.
(5) જો ઘરઘાટીએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ- સરનામું.
(6) ઘરઘાટી જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ- સરનામું.
(7) જે ઘરઘાટીના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ- સરનામાં અને મોબાઈલ નંબર.
(8) ઘરઘાટીના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા- પિતા, ભાઈ- બહેનની વિગતો.
(9) જો ઘરઘાટી પરિણીત હોય તો તેના પતિ કે પત્ની અને સસરાનું સરનામું.
(10) જે ઘરઘાટીને કામ પર રાખ્યા હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને તેને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની.
(11) ઘરઘાટીનો તાજેતરનો ફોટો- આ તમામ જણાવ્યા પૈકી શક્ય હોય તેટલી વિગતો મકાન માલિકે જમા કરાવવાની રહેશે.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application