ભાજપની બુથ સમિતિની રચનામાં જામનગર શહેર-જિલ્લો ટોચના ક્રમમાં

  • November 28, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર સંગઠ્ઠનની ટીમ અને ધારાસભ્યોએ કમલમમાં હાજરી આપીને બુથ સમિતિની રચના સંબંધે માર્ગદર્શન મેળવ્યું: સાંસદ ઓનલાઇન જોડાયા: મંડળના પ્રમુખની વયમયર્દિા 40 વર્ષની નક્કી કરાઇ, અમુક કેસમાં 4પ વર્ષ સુધી થઇ શકશે


ગુજરાતમાં ભાજપના સંગઠ્ઠનની નવરચનાની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધી રહી છે, બધાને ઉત્કંઠા છે કે, પ્રદેશ પ્રમુખના નામની ક્યારે જાહેરાત કરવામાં આવશે ? અને નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે ? આ ઉત્તેજના વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સંગઠ્ઠનની પ્રક્રિયા આગળ ચાલી રહી છે, જે મુજબ સભ્ય નોંધણી બાદ બુથ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે અને આ બથુ સમિતિની રચનામાં ક્યાં જિલ્લાએ કેટલું ટાર્ગેટ હાંસિલ કર્યું એ સંબંધે ભાજપ ગુજરાતના વડામથક કમલમ ખાતે દરેક જિલ્લાના ભાજપના સંગઠ્ઠનના સૂત્રધારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા, અત્રે નોંધનીય છે કે ભાજપની બુથ સમિતિની રચનામાં જામનગર શહેર-જિલ્લાએ ટોચના ક્રમમાં સ્થાન મેળવ્યું છે.


કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સભ્ય રાજદીપ રોય, સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર, પોષાઘ્યક્ષ સુરેન્દ્ર પટેલ સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર હતા, જેમાં દરેક જિલ્લાના કલાસ લેવામાં આવ્યા હતા.
સભ્ય નોંધણી ઝુંબેશ બાદ બુથ સમિતિઓની રચના સંબંધે ક્યાં જિલ્લાએ કેટલી કામગીરી કરી ? તેને એ, બી, સી ત્રણ વર્ગમાં વ્હેચવામાં આવી હતી, જામનગર શહેર અને જિલ્લા દ્વારા બુથ સમિતિની રચનાઓ સંબંધે એ ગ્રેડમાં સ્થાન મેળવવામાં આવ્‌યું છે, ટુંકમાં અહીં ઝડપી કામગીરી થઇ છે.


ગઇકાલે કમલમ ખાતેની બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ દિલ્હી હોવાથી સી.આર. પાટીલના બંગલા ખાતે મળેલી ઓનલાઇન બેઠકમાં તેઓ જોડાયા હતા, આ સિવાય ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, મહામંત્રીઓ મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, જામનગરના પ્રભારી પલ્લવીબેન ઠાકર, સંગઠ્ઠન પર્વના ચૂંટણી અધિકારી જાનકીબેન આચાર્ય, સહાયક ચૂંટણી અધિકારીઓ ગોપાલભાઇ સોરઠીયા, મનીષભાઇ કટારીયા વિગેરે જોડાયા હતા અને માહિતીની આપ-લે કરી હતી.


ભાજપની પ્રણાલી મુજબ સભ્ય નોંધણી બાદ બુથ સમિતિ રચના અને હવે પ્રદેશમાંથી આગેવાનો આવીને જિલ્લાની કાર્યશાળા લેશે, આ પછી વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવશે, એ પછી શહેર સંગઠ્ઠનની નવી ટીમની રચના થશે, જેના પર સૌની નજર મંડાયેલી છે.


આ બેઠકમાં એક નવી સૂચના એ પણ મળી હતી કે, મંડળના જે પ્રમુખ બનાવવામાં આવે, તેની વયમયર્દિા વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઇએ, કોઇ મામલામાં જર પડે તો વધુમાં વધુ 4પ વર્ષની પણ છૂટ આપવામાં આવી છે, પરંતુ કોઇક કોઇ કેસમાં જ...


આમ, ગુજરાત ભાજપની સંગઠ્ઠનની નવરચનાની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધી રહી છે, પ્રદેશ પ્રમુખ કોણ રહે છે ? જામનગર શહેર-જિલ્લાના પ્રમુખના નામ ક્યારે સ્પષ્ટ થાય છે ? તેને લઇને હવે ભાજપમાં ઉત્તેજના છવાયેલી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application