ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.
હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC પૂર્ણ કરવાનું રહેશે.
લાભાર્થીઓ નીચે મુજબની ૩ સરળ પદ્ધતિઓ પૈકી કોઇપણ રીતે સરળતાથી e-KYC કરી શકશે
૧. ફેસ ઓથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે.
૨. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા "ઈ-ગ્રામ" કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે.
૩. PM કિસાન મોબાઈલ એપ (સ્વયં): લાભાર્થી પોતે મોબાઈલ એપમાં 'Beneficiary' તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે.
કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય, તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે.