દ્વારકામાં પકડાયેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની સઘન પુછપરછ

  • March 18, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટીમ દ્વારા મહિલાઓને રીસ્ટ્રીકશન હેઠળ રખાઇ : અલગ ભાષા અને શંકાસ્પદ ગતીવિધીઓના આધારે પોલીસ ત્રાટકી


દેવભુમી દ્વારકાના પેણ બંદર વિસ્તારમાંથી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને એસઓજીની ટુકડીએ ઝડપી લીધી છે અને પુછપરછ હાથ ધરી હતી, બંદર વિસ્તારમાં અલગ ભાષા અને શંકાસ્પદ ગતીવીધીના આધારે અટકાયત કરી હતી દરમ્યાન બોર્ડર ક્રોસ કરીને આ મહિલાઓ ભારતમાં ઘુષણખોરી કરી હતી 25 હજાર એજન્ટને આપી બાંગ્લાદેશના જેસોરથી ભારતના બાંગા વચ્ચે આવેલી નદીના રસ્તે આવતા હોવાની કબુલાત કરતા પોલીસ દ્વારા આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી સામે એલર્ટ મોડમાં આવેલી ગુજરાત પોલીસે ઠેર ઠેર સ્થળોએ બાંગ્લાદેશી  ઘુસણખોરોને તપાસ આદરી છે ત્યારે દ્વારકા એસઓજીએ ચોકકસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદર સામે આવેલ રૂક્ષ્મણી મંદિરની પાછળના રોડ પર અલગ પ્રકારની ભાષા બોલતી પાંચ જેટલી શંકાસ્પદ મહિલાઓને   ઝડપી પુછપરછ કરતા આ તમામ મહિલાઓ બાંગ્લાદેશની હોવાની ઓળખ સાથે તેમના આઇકાર્ડ, મોબાઇલ નંબર પણ બાંગલાદેશના હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.


એસપી નિતેશ પાંડેયના આદેશ મુજબ એસઓજીના પીઆઇ પી.સી. સીંગરખીયા, પીએસઆઇ આર.જી. વસાવાની સુચનાથી એએસઆઇ અશોકભાઇ સવાણી અને જગદીશભાઇ કરમુરને મળેલી બાતમીના આધારે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાછળથી બી પોનુખા સોનુખા મોનન હસન આલી (ઉ.વ.35), સાદીયા ઉર્ફે શીતલબેન સુકુર ઇસાક શેખ ઉર્ફે મિનેશ (ઉ.વ.26), સુમી ઉર્ફે રીયા રોબી કાદર શેખ (ઉ.વ.35), ખાલીદા ઉર્ફે નઝમાબેબી મહમ્મદઅલી શેખ (ઉ.વ.33)અને બી રોબી કાદર શેખ (ઉ.વ.35)ને ઝડપી લઇ તેમની પુછપરછ કરતા આ મહિલાઓ બાંગલાદેશી હોવાનું જણાય છે અને ભારતમાં પ્રવેશવા માટે પાસપોર્ટ, વિઝા કે અન્ય ભારતના કોઇ દસ્તાવેજો રજુ કયર્િ ન હતા.


ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ, વિવિધ બાબત પર પ્રકાશ પાડ્યો હતો.


તેઓએ પોતાના ચહેરા છુપાય તે રીતે ઢાંકીને રાખે છે. આ સાથે ઉપરોક્ત મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા મહીલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને આ સ્થળે કરવામાં આવેલી તપાસમાં અહીં પાંચ શંકાસ્પદ મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું હતું.


પોલીસે આ મહિલાઓ પાસે જઈને તેઓને ભારતમાં પ્રવેશવા અંગે પાસપોર્ટ, વિઝા તથા અન્ય ભારતના દસ્તાવેજ રજુ કરવા જણાવતા તેઓએ પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવ્યું હતું અને પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત પણ આપી હતી. આથી પોલીસે તેઓ પાસે રહેલા મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજોમાં જન્મ તારીખના દાખલા, બાંગ્લાદેશી નેશનલ આઇડેન્ટી કાર્ડના ફોટાઓ તથા બાંગ્લાદેશી મોબાઇલ નંબરો મળી આવ્યા હતા.


આ સમગ્ર બાબતોના અનુસંધાને તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તેઓની તાકીદે અટકાયત કરી, રીસ્ટ્રીક્શન હેઠળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.


ઝડપાયેલી આ મહિલાઓની વધુ પૂછપરછમાં જાહેર થયું છે કે, ઉપરોક્ત મહીલાઓએ બાંગ્લાદેશના વિવીધ એજન્ટની મદદથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સરહદની ભૌગોલીક પરીસ્થિતીનો લાભ લઇ, બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. જેના માટે રૂ. 25000 ની આસપાસ રકમ આપવામાં આવેલા એજેન્ટએ સરહદ પર આવેલી નદી અને દરીયાઈ ખાડીનો ઉપયોગ કરીને ભારતમાં ઘુસણખોરી કરાવી હતી. જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જેશોરથી ભારતના બાંગા વચ્ચે આવેલી નદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે. ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છુટક મજુરીનું કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.


ભારતમાં કાયમી વસવાટ કરી શકે તે માટે કોઈ ભારતીય નાગરીક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું. અમુક મહીલાઓ 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતા હોવાની કબૂલાત પણ પોલીસને આપી હતી.


અહીં છુટક મજુરી દ્વારા કમાયેલી રકમ પશ્ચીમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે મોકલી આપવામાં આવે છે. જે રકમમાંથી એજન્ટ પોતાનુ કમીશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરીવારને મોકલી આપવામાં આવે છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી હતી.


આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સિંગરખીયા. પી.એસ.આઈ. આર.જી. વસાવા, રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ કરમુર, હરદાસભાઈ મોવર, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, વિજયસિંહ, કરણકુમાર, સ્વરૂપસિંહ અને પ્રકાશકુમાર દ્વારા કરવામાં આવી હતી.


અહીં કાયમી વસવાટ માટે ભારતીય નાગરીક સાથે લગ્ન કરી લે છે...

દ્વારકા પંથકમાં પકડાયેલી બાંગ્લાદેશી મહિલાઓની પુછપરમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, ભારતમાં કાયમી વસવાટ કરી શકે તે માટે ભારતીય નાગરિક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરેલ હોય અને અમુક મહિલાઓ 7 થી 10 વર્ષ  ભારતમાં વસવાટ કરતા હોવાનું તપાસ કરતા ખુલ્યુ હતું. તેમજ અહીં ભારતમાં કમાયેલા રૂપિયા વતન મોકલતી હોવાનું પણ સામે આવ્યું છે.


બાંગા નદીથી 25 હજારમાં એજન્ટો ઘુસણખોરી કરાવે છે...

પકડાયેલી મહિલાઓ પાસે કોઇ પાસપોર્ટ મળી આવ્યો ન હતો, આથી પોલીસે મોબાઇલ સહિતની ચકાસણી કરતા કેટલાક અન્ય દસ્તાવેજના ફોટા જોવા મળ્યા હતા, બાંગ્લાદેશી દસ્તાવેજો, જન્મના દાખલા, આઇકાર્ડ, મોબાઇલ નંબર બાંગલાદેશના હોવાનું જણાતા પુછપરછ  હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ મહિલાઓ પશ્ચિમ બંગાળના રસ્તેથી એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશવા રૂા. 25000 આસપાસ રકમ ચુકવી ઘુસણખોરી કરી હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશ અને પશ્ર્ચિમ બંગાળની સરહદની ભૌગોલીક સરહદની પરિસ્થીતીનો ગેરલાભ લઇને નદી અને દરીયાઇ ખાડીનો ઉપયોગ કરીને ઘુસણખોરી કરાવે છે. ખાસ કરીને બાંગ્લાદેશના જેસોરથી બાંગા વચ્ચે આવેલ નદીનો ઉપયોગ મહત્તમ રીતે થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application