ધોરાજીમાં વિવિધ સરકારી સેવાઓની તપાસણી, અધિકારીઓએ આપી જરૂરી સૂચનાઓ
ધોરાજીમાં વિવિધ સરકારી સેવાઓની તપાસણી, અધિકારીઓએ આપી જરૂરી સૂચનાઓ
July 25, 2026 09:34 AM
ધોરાજી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી સેવાઓ અને જાહેર સુવિધાઓની નિયમિત તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની શાળા નં. 12 અને શાળા નં. 13 ખાતે કાર્યરત PM પોષણ કેન્દ્રની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ તેમજ જરૂરી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. સંબંધિત કર્મચારીઓને કામગીરી વધુ સુચારૂ રીતે કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.ત્યારબાદ તાલુકા પુરવઠા ગોડાઉનની તપાસણી કરી અનાજના જથ્થા, સંગ્રહ વ્યવસ્થા અને જરૂરી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત પ્રશાંત પેટ્રોલ પંપ ખાતે વિવિધ બાબતોની તપાસણી કરી સંબંધિતોને નિયમોનું પાલન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનની પણ તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનાજના વિતરણ, સ્ટોક રજીસ્ટર તથા લાભાર્થીઓને મળતી સુવિધાઓ અંગે ચકાસણી કરી પારદર્શિતા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.વહીવટી તંત્ર દ્વારા આવી નિયમિત તપાસણીઓનો હેતુ સરકારી યોજનાઓનો લાભ યોગ્ય રીતે લાભાર્થીઓ સુધી પહોંચે, જાહેર સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત થાય તે હોવાનું જણાવાયું હતું