BREAKING NEWS

દૂધ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો, બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનના વધારા સાથે ગુજરાત દેશમાં મોખરે!

  • May 31, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષે ૧લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધાર સ્તંભ બન્યો છે. વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે અને ગુજરાત પણ બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનના મજબૂત વધારા સાથે “શ્વેતક્રાંતિ ૨.૦” તરફ અગ્રેસર થયું છે. ગુજરાતમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ, ૭૩૦ ગ્રામ પ્રતિ દિન થઈ ગઈ છે. પશુઓની સારવાર માટે રાજ્યમાં ૫૮૭ ફરતા પશુ દવાખાના તેમજ ૪,૭૧૦ પશુ ચિકિત્સકોની સેવાની ઉપલબ્ધતા પશુપાલન ક્ષેત્રને વેગ આપી રહી છે.


વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો: દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ

ભારત વર્ષ ૧૯૯૮થી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. આજે દેશ વાર્ષિક ૨૪૭ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો સિંહફાળો ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે છેલ્લા એક જ દાયકામાં દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ૬૯ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે, જ્યારે ઉત્પાદન પ્રતિ વર્ષે ૫.૫ ટકાના દરે વધી રહ્યું છે. દેશની કુલ GDPમાં ડેરી ક્ષેત્રનો ફાળો લગભગ ૫ ટકા જેટલો છે. દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૫૨ ટકા વધીને આજે ૪૮૫ ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે નાગરિકોના પોષણ સ્તરમાં સુધારાનો મજબૂત પુરાવો છે.


ગુજરાતની શ્વેતક્રાંતિ ૨.૦: બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનનો વધારો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાત આજે ડેરી ઉદ્યોગમાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ગુજરાત આજે વાર્ષિક ૧૯ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૭૮ ટકા જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા બે દાયકાની વાત કરીએ તો, રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૨.૫ મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ વિકાસ દર પણ ૯.૩૦ ટકા રહ્યો છે. ગુજરાત માટે સૌથી ગૌરવની વાત તો એ છે કે, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૭૩૦ ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪૮૫ ગ્રામ પ્રતિ દિન કરતાં ઘણી વધારે છે.


પશુ આરોગ્ય અને સુદ્રઢ સારવારનું માળખું

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે પશુઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અનિવાર્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પશુઓને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો, જે અનુસાર આજે ગુજરાતની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.​​​​​​​


રાજ્યે વિકસાવેલું સુદ્રઢ પશુ ચિકિત્સા માળખું

૧,૧૩૭ પશુ દવાખાના અને ૫૬૪ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત છે.

ગામડે-ગામડે જઈને પશુઓની ઓન-સ્પોટ સારવાર કરતા ૫૮૭ ફરતા પશુ દવાખાના સક્રિય છે.

૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયો અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો પશુધન માટે આશીર્વાદરૂપ બન્યા છે.

સમગ્ર રાજ્યમાં પશુધનની રક્ષા માટે કુલ ૪,૭૧૦ નોંધાયેલા પશુ ચિકિત્સકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે.


પશુ સંવર્ધનમાં આધુનિક ટેકનોલોજી અને સરકારી સહાય

ગુજરાત સરકાર માત્ર સારવાર જ નહીં, પરંતુ પશુઓની નસલ સુધારણા માટે પણ કટિબદ્ધ છે. પશુપાલકોને ખૂબ જ નજીવા દરે પશુઓમાં 'செક્સ્ડ સીમેન ડોઝ' આપવાની આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે. આ ટેકનોલોજીના કારણે ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે, જે ભવિષ્યમાં દૂધ ઉત્પાદકતા વધારે છે. આ ઉપરાંત, પશુઓમાં આધુનિક IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટેકનોલોજીના મોટા ખર્ચને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા પશુપાલકોને વિશેષ આર્થિક સબસીડી આપવામાં આવી રહી છે.


’અમૂલ AI' અને ડિજિટલ ક્રાંતિ: પશુપાલનમાં આધુનિકતાનો સમન્વય

ફેબ્રુઆરી ૨૦2૬માં અમૂલ દ્વારા એક ક્રાંતિકારી પ્લેટફોર્મ ‘અમૂલ AI’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિજિટલ પહેલ અંતર્ગત પશુપાલકો માટે ૨૪x૭ માર્ગદર્શક તરીકે ‘સરલાબેન’ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહાયક કાર્યરત કરવામાં આવ્યા છે. આ અત્યાધુનિક AI સિસ્ટમ રાજ્યના ૩૬ લાખથી વધુ ખેડૂત-દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, સંતુલિત પોષણ, ઓલાદ સુધારણા અને પશુપાલન વિભાગની સરકારી યોજનાઓ વિશે વૈજ્ઞાનિક અને વ્યક્તિગત માર્ગદર્શન માત્ર એક ક્લિક પર એટલે કે આંગળીના ટેરવે પૂરું પાડે છે.


ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડોનું પ્રોત્સાહન અને રોકાણ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ડેરી ક્ષેત્રને મજબૂત આંતરમાળખું પૂરું પાડવા માટે અનેક ફંડ અને યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનું પ્રોત્સાહન ફાળવવામાં આવ્યું છે:

નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ: આ પ્રોગ્રામ દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૧,૬૦૬ બલ્ક મિલ્ક કુલર, ૩,૨૩૩ ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ અને ૧,૨૧૨ મિલ્ક એડલ્ટરશન ડિટેક્શન (દૂધમાં ભેળસેળ તપાસવાના) મશીનો સ્થાપવા માટે કુલ રૂ. ૨૩૯.૭૩ કરોડની માતબર સહાય ફાળવવામાં આવી છે.

એનીમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ: આ ફંડ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાના સહકારી સંઘો અને ખાનગી ડેરીઓના રૂ. ૩,૪૨૫.૫૭ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી તેની સામે રૂ. ૨,૬૯૧.૨૯ કરોડની લોન માટે વ્યાજ સહાય મંજૂર કરાઈ છે.

ડેરી કોઓપરેટિવ્સને ટેકો: ડેરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા વિવિધ દૂધ સંઘોને દૈનિક કામગીરી સરળ બનાવવા માટે કામગીરીની લોન પર વ્યાજ સહાય પેટે છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૫૭૩.૭૭ કરોડની સહાયનો સીધો લાભ લાખો પશુપાલકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન: સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આર્થિક રીતે પછાત ગણાતા જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘોમાં રૂ. ૭૮.૦૬ કરોડના પ્રોજેક્ટ્સ માટે છેલ્લા ૩ વર્ષમાં રૂ. ૨૩.૦૯ કરોડની આર્થિક રકમ રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે ફાળવવામાં આવી છે.

ગુજરાત સરકારના આ દીર્ઘદ્રષ્ટિવાળા બહુલક્ષી આયોજનો, નવીનતમ ટેકનોલોજીના સમન્વય અને રાજ્યના લાખો પશુપાલકોની અથાણ મહેનતના બળે આગામી સમયમાં ગુજરાત દેશનું સૌથી અગ્રેસર અને મોડેલ દૂધ ઉત્પાદક રાજ્ય બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News