આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે, ઇન્ડિયન ટીમનું ગરબાથી સ્વાગત કરાશે, જાણો ખેલાડીઓને કઈ કઈ વાનગી પીરસાશે

  • January 25, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-2 મેચ રમાનાર છે. બન્ને ટીમનું આવતીકાલે રાજકોટમાં આગમન થશે. ભારતની ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાશે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ફોર્ચ્યુન હોટલમાં ઉતરાણ કરશે. ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા અને ઢોલના તાલે કાઠિયાવાડી સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે.


કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. તેમજ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


ભારતની ટીમને કાઠિયાવાડી ભોજન પિરસાશે
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા, જલેબી, થેપલા વગેરે વાનગીઓ આપવામાં આવશે, જ્યારે બપોરે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે દહીં તિખારી, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, રોટલા, રોટલી અને ચણાનું શાક પીરસવામાં આવશે.


શિયાળુ વાનગીઓ પણ પીરસાશે
શિયાળાની ઋત્તુને ધ્યાનમાં રાખીને, રાત્રિભોજનમાં બાજરાના રોટલા, ઓળો, ચણાનું શાક જેવી પૌષ્ટિક વાનગીઓ પીરસવામાં આવશે. ક્રિકેટર્સને તેમની ભાવતી વાનગીઓ પણ પીરસવામાં આવશે. હોટેલની બહાર અને અંદર ક્રિકેટર્સના ફોટા અને નામ સાથેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ ઇન્ડિયન ટીમના આગમનની રાહ જોઈ રહ્યા છે, અને 28 જાન્યુઆરીના રોજ યોજાનાર મેચ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.



રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો
ભારત અને ઇંગ્લેન્ડ ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 3 ટેસ્ટ, 5 T-20 અને 4 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વનડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application