પંચવટી ગૌ શાળા વિસ્તારમાં નળવાટે ગંધાતુ ડોહળુ પાણી આવતા લોકોમાં ઉગ્ર રોષ

  • May 25, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અવારનવાર રજૂઆત કરવા છતાં પણ મેયરના વોર્ડમાં પીવા લાયક પાણી ન આવતાં હવે આંદોલનના ભણકારા: શહેરના અનેક વિસ્તારોમાં ડોહળુ પાણી આવતું હોવાની ફરિયાદ

જામનગર શહેરમાં હજુ ચોમાસુ આવ્યું નથી કે, નદી, નાલામાં નવા નીર આવ્યા નથી છતાં પણ જામનગર કોર્પોરેશનની અણઆવડતને કારણે શહેરના પંચવટી ગૌ શાળા સહિતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે અઠવાડીયાથી ગંધાતુ અને પીવા લાયક પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે, આ અંગે મેયર બિનાબેન કોઠારી અને વિસ્તારના કોર્પોરેટરને જાણ કરી હોવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, તેથી ગૃહીણીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.
જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા પંચવટી ગૌ શાળા વિસ્તારમાં ખરાબ પાણી આવતું હતું અને માત્ર થોડો સમય જ ચોખ્ખુ પાણી આવ્યું હતું, પાણી પીવાથી ખુબ જ વાસ આવતી હતી અને નુકશાનકારક પાણી આવતું હોવાની પણ થોકબંધ ફરિયાદો મેયર અને આ વિસ્તારના લોકોને કરવામાં આવી હતી. ફરિયાદ કરવામાં આવ્યા બાદ બે-ત્રણ દિવસ સારુ પાણી આવવા લાગ્યું, પાછળથી અલગથી આ પ્રકારનું ખરાબ પાણી આવતાં ગંભીર પ્રશ્ર્ન ઉભો થયો છે, આ પાણી પીવાલાયક તો નહીં પરંતુ ઘર વપરાશ માટે પણ યોગ્ય ન હોવાનું આ વિસ્તારના રહીશોનું કહેવું છે.
જામનગર શહેરમાં ખુદ મેયર જયાં રહે છે તે વિસ્તારમાં બે-બે અઠવાડીયાથી મેઇન ગટરની લાઇન અને પાણીની લાઇન ભેગી થઇ જવાના કારણે આ સમસ્યા થઇ હોવાનું જાણવા મળે છે, અવારનવાર આ વિસ્તારમાં ખરાબ પાણી હોવા છતાં પણ મેયર અને આ વિસ્તારના નગરસેવકો આ પ્રશ્ર્નને ઉકેલી શકયા નથી, એટલું જ નહીં લાખો રુપિયાનો પગાર મેળવતાં અધિકારીઓ પણ આ સમસ્યા શા માટે ઉકેલી શકતા નથી ? તે એક પ્રશ્ર્ન છે. પંચવટી ગૌ શાળા વિસ્તારમાં લાંબા સમયથી ખરાબ પાણી આવે છે અને હાલ તો લોકોના આરોગ્ય ઉપર ખતરો થયો છે.
**
ઇજનેરોની બેદરકારીના કારણે નગરસેવકોને થવું પડે છે હેરાન
પંચવટી ગૌ શાળા વિસ્તારમાં સેફટી જેવા ગંધાતા પાણીના કારણે લોકો નાકે દમ અનુભવી રહ્યા છે, નળ વાટે છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારનું પાણી આવતું હોવાના કારણે આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર પડી રહી છે, ઘરે-ઘરે માંદગી શરુ થઇ ગઇ છે, નાછુટકે લોકોને પીવા માટે બહારથી પાણીના કેન મંગાવવાની અનિવાર્યતા ઉભી થઇ છે, જામ્યુકોના અધિકારીઓ ઉદાસીન છે અને ઇજનેરો કૌશલ્યતા ગુમાવી બેઠા છે, આવા સમયમાં આ વિસ્તારના નગરસેવકો તરફ લોકો મીટ માંડીને બેઠાં છે અને અનેક લોકો દ્વારા નગરસેવકોને ફરિયાદ કરાઇ છે, આ લોકપ્રતિનિધિઓ દ્વારા ગંભીરતાપૂર્વક સમસ્યા નિવારણના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે જે સરાહનાહને પાત્ર છે, નગરસેવક આશીષ જોશી ઘરે-ઘરે જઇને સમસ્યા અંગે વિગતો મેળવી રહ્યા છે પરંતુ સવાલ એ ઉઠે છે કે, ઉપલબ્ધ પાઇપલાઇનના નકશાઓના આધારે પણ જો આ મહાપાલિકાના કહેવાતા કૌશલ્યબાજ ઇજનેરો જો ફોલ્ટ શોધી ન શકે અને કયાંથી ગટરનું પાણી કે સેફટીનું પાણી નળની લાઇનમાં મીકસ થાય છે તેનો તાગ મેળવી ન શકે તો આવા ઇજનેરોને ઘરે બેસાડી દેવાની જરુર છે, સતાધારી ભારતીય જનતા પાર્ટીએ પણ આ વાત ગંભીરતાથી લેવી પડશે, કારણ કે અધિકારીઓની અણઆવડતને કારણે કદાચ પ્રજાના રોષનો ભોગ એમને બનવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application