સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી પણ રાજકોટમાં મેઘ મન મુકીને વરસતો નથી

  • July 19, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી અનરાધાર વરસી રહી રહી છે અને 1 ઇંચથી 20 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં નવ ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે અને 34 ડેમમાં 14 ફૂટ સુધી નવા નીરની આવક થઇ છે પરંતુ રાજકોટ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી, રાજકોટમાં ગત સાંજે હળવું ઝાપટું વરસતા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો અને તે સહિત શહેરનો મોસમનો કુલ વરસાદ 11.5 ઇંચ થયો છે. આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં ઝરમર વરસાદ છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી બપોરે બે વાગ્યે સુધીમાં ઝરમર વરસાદ છે, જ્યારે ગત સાંજે વેસ્ટ ઝોનમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તે વેસ્ટ ઝોનનો મોસમનો કુલ વરસાદ 11.5 ઇંચ થયો છે. સેન્ટ્રલ ઝોનમાં પાંચ મીમી વરસાદ વરસ્યો છે જે સાથે મોસમનો કુલ વરસાદ 11.5 ઇંચ થયો છે અને ઇસ્ટ ઝોનમાં વરસાદ ન હતો, પરંતુ ત્યાં આગળ મોસમનો કુલ વરસાદ નવ ઇંચ થયો છે.રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોમાં ભાદર-1 ડેમમાં દોઢ ફૂટ સિવાય અન્ય કોઇ ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક નથી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તા.15 જુનથી નૈઋત્યનું ચોમાસું બેઠું ત્યારથી આજે તા.19 જુલાઇ સુધીના કુલ 34 દિવસમાં રાજકોટ શહેરમાં કુલ ફક્ત 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ 34 દિવસ દરમિયાનમાં ક્યારેય એક સાથે પુરો ત્રણ ઇંચ વરસાદ પણ વરસ્યો નથી. હવે તો રાજકોટવાસીઓમાં એક જ સવાલ ચચર્ઇિ રહ્યો છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે તો તેમાંથી રાજકોટ જ બાકાત કેમ ?


ભાદર-1 ડેમમાં દોઢ ફૂટ પાણીની આવક
રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા કુલ 34 ફૂટની ઉંડાઇના ભાદર-1 ડેમમાં 1.51 ફૂટ નવા નીરની આવક થતા આજે સવારે ડેમની સપાટી 19 ફૂટે પહોંચી છે. કુલ સંગ્રહ ક્ષમતાના 25 ટકા જથ્થો સંગ્રહિત થયો છે. ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને દરરોજ 45 એમએલડી પાણી મળે છે જેનું સેન્ટ્રલ રાજકોટ હેઠળના વિસ્તારમાં વિતરણ કરાય છે.


આજી-1 ડેમમાં નવા નીરની આવક નથી
રાજકોટનો મુખ્ય જળસ્ત્રોત કુલ 29 ફૂટની ઉંડાઇના આજી-1માં નવા નીરની આવક નથી તેમજ ડેમ સાઈટ ઉપર પણ વરસાદ નોંધાયો નથી. આજે સવારની સ્થિતિએ ડેમની સપાટી 20.30 ફૂટ છે. કુલ સંગ્રહ ક્ષમતાના 47 ટકા જથ્થો સંગ્રહિત છે. ડેમમાં સંગ્રહિત જળજથ્થો સૌની યોજના હેઠળ ઠાલવેલું નર્મદાનીર છે, ચાલું ચોમાસે ડેમમાં નોંધપાત્ર આવક થઇ નથી.


ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ પાણીની આવક
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા કુલ 25 ફૂટની ઉંડાઇના ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ નવું પાણી આવતા આજે સવારે ડેમની સપાટી 14.90 ફૂટે પહોંચી છે. કુલ સંગ્રહ ક્ષમતાના 37 ટકા જથ્થો સંગ્રહિત થયો છે. ન્યારી ડેમ સમગ્ર પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો મુખ્ય જળસ્ત્રોત છે. ડેમ સાઇટ ઉપર મોસમનો કુલ વરસાદ ત્રણ ઇંચ નોંધાયો છે.


લાલપરી તળાવની સપાટી પણ યથાવત
રાજકોટની ભાગોળેનું રાજાશાહી વખતના લાલપરી તળાવમાં ચાલુ ચોમાસાના છેલ્લા એક મહિનામાં એક પણ વખત નવા નીરની આવક થઇ નથી, કુલ 15 ફૂટની ઉંડાઇના લાલપરી તળાવની સપાટી આજે સવારની સ્થિતિએ 7.40 ફૂટ છે. સામાન્ય રીતે દર ચોમાસે આ તળાવ સૌથી પહેલા ઓવરફ્લો થતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application