ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ અને કડક સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો અને ઈ-ચલણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વાહનચાલકોને કાયદાકીય ગૂંચવણોથી બચવા અને વાહન બ્લોક થતું અટકાવવા માટે સમયસર ઈ-ચલણ ભરવા અપીલ કરવામાં આવી છે.
નવા સુધારા મુજબ, જો કોઈ વાહન માલિક કે ચાલકને એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ઈ-ચલણ ઇશ્યૂ કરવામાં આવે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ વાહનચાલકોમાં ટ્રાફિક શિસ્ત લાવવા માટેનો અત્યાર સુધીનો સૌથી કડક પગલા તરીકે જોવામાં આવે છે.
સરકારે ઈ-ચલણ સામે રજૂઆત કે ફરિયાદ કરવા માટે ૪૫ દિવસની નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરી છે. જો કોઈ વાહનચાલકને ઇશ્યૂ થયેલા ચલણ સામે કોઈ વાંધો કે ભૂલ હોય, તો ચલણ ઈશ્યૂ થયાની તારીખથી ૪૫ દિવસની અંદર 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. ૪૫ દિવસ બાદ ચલણની આપોઆપ સ્વીકૃતિ ગણાશે અને ત્યારબાદ ચલણની રકમ ભરવાની રહેશે. જો કોઈ રજૂઆત કરવામાં ન આવે, તો તે ચલણનો સ્વીકાર કરી લેવાયો છે તેમ માની લેવામાં આવશે.
જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆત નકારવામાં આવે, તો ચાલકે ત્યારબાદ ૩૦ દિવસની અંદર ઈ-ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના ૫૦ ટકા રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવી પડશે. જો આ બંને પ્રક્રિયા ન કરવામાં આવે, તો ચલણ સ્વીકૃત માની લેવામાં આવશે અને ૧૫ દિવસમાં રકમ ચૂકવવી પડશે.
નિયમ મુજબ, ઈ-ચલણની રકમ સમયસર ન ભરનાર વાહનનું 'વાહન પોર્ટલ' પર સેન્ટ્રલ બ્લોકિંગ કરવામાં આવશે. જ્યાં સુધી પૂરેપૂરી રકમ ભરાઈ ન જાય ત્યાં સુધી સંબંધિત વાહનને 'Not to be transacted' એટલે કે બ્લોકની શ્રેણીમાં મૂકવામાં આવશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઈસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં. તેથી, વાહન માલિકોએ તેમના ઈ-ચલણની સ્થિતિ સમયાંતરે તપાસતા રહેવું હિતાવહ છે.