‘હું યે કપાયેલું...તું યે ફેંકાયેલી....!’

  • September 02, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો આપણે અપડેટ રહીએ નહીં તો ગમે તેવા હોંશિયાર હોઇએ તો પણ ફેંકાઇ જતા હોઇએ છીએ આ વાત માત્ર માનવીઓને જ નહી  પરંતુ નિર્જીવ વસ્તુઓથી માંડી પ્રકૃતિને પણ લાગુ પડે છે. તેની સાબિતી આ તસ્વીર આપે છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ટપાલપેટી પાસે કપાયેલા વૃક્ષના થડની કલાત્મક તસ્વીર ઘણું બધુ શીખવી જાય છે. દાયકાઓ દરમ્યાન લાખો લોકોને શીતળ છાંયડો અને કીડા મકોડા જેવા હજારો જીવોથી માંડી પક્ષીઓને આશરો, ભોજન અને રહેઠાણ પૂરા પાડનાર એક વૃક્ષ જિંદગીના અંતિમ શ્ર્વાસ લેતુ હોય તેવુ નજરે ચડે છે. તે વયોવૃધ્ધ બનતા મૂળ સોતુ જમીનમાંથી ઉખડીને આડુ પડતા આ  વૃક્ષને વિદેશમાં જે રીતે  પુન: આરોપણ કરીને અપડેટ કરવામાં આવે છે તે રીતે પોરબંદરમાં શકય નહી હોવાથી કાપી નાખવામાં આવ્યુ છે. ત્યારે એ વૃક્ષ તેનીજ નજીકમાં આવેલ અને બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલી ટપાલપેટીને સંદેશો આપી રહ્યુ છે. પોસ્ટતંત્ર અપડેટ થયુ નહી હોવાથી હવે સોશ્યલ મીડિયાના યુગમાં ટપાલપેટીઓ મૃતપ્રાય બની ગઇ છે અને તેનો ભાગ્યેજ કોઇ ઉપયોગ કરે છે. તસ્વીરમાં દેખાતી ટપાલપેટી ઉપર એવું લખ્યુ છે કે, ‘રજાના દિવસોમાં અને રવિવારે ટપાલપેટી ખુલશે નહીં’ પણ કમનસીબી એ છે કે આ ટપાલપેટી હવે કચરાપેટી બની ગઇ છે અને કાટ ખાઇ ગયેલા તેના દરવાજા પણ બારેમાસ ખુલ્લા રહે છે.જાણે વૃક્ષ પોતાની પીડા ટપાલપેટી સાથે શેર કરી રહ્યુ હોય તેમ, ‘હું યે કપાયેલું છું... તું યે ફેંકાયેલી છો...’કહીને કાળા માથાના માનવીને મહત્વનો સંદેશ આપી રહ્યુ છે કે જો તમે અપડેટ રહેશો નહી તો મારી જેમ જ કપાઇ જશો અથવા સંદેશાવ્યવહાર માટે એક સમયે ખૂબ ઉપયોગી ગણાતી આ  ટપાલપેટીની જેમ બિનઉપયોગી બનીને ફેંકાઇ જશો ! તેવી અનુભૂતિ તસ્વીર કલીક કરનાર પોરબંદરના યુવા પ્રેસ ફોટોગ્રાફર જિજ્ઞેશ પોપટને થઇ હતી. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News