વિશ્વભરમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં ફ્રાન્સની એક અદાલતમાં જે ઘટના સામે આવી છે તેણે સમગ્ર માનવતાને હચમચાવી દીધી છે. એક ૪૨ વર્ષીય ફ્રેન્ચ મહિલા લેટીશિયા આર. એ કોર્ટરૂમમાં ઊભા રહીને પોતાની સાથે થયેલા ભયાનક અત્યાચારોની જે કહાની સંભળાવી, તે સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ધ્રૂજતા હાથે અને આંસુ ભરેલી આંખો સાથે લેટીશિયાએ જણાવ્યું કે, તેના જ પૂર્વ જીવનસાથી ગુઇલોમ બોચીએ સાત વર્ષ સુધી તેને નરક સમાન જીવવા માટે મજબૂર કરી હતી.
લેટીશિયાએ રડતા અવાજે કોર્ટને જણાવ્યું કે, મેં ૪૮૭ પુરુષો સુધી ગણતરી રાખી હતી, પરંતુ ત્યારબાદ મેં ગણતરી કરવાનું જ છોડી દીધું. સાત વર્ષના આ લાંબા ગાળામાં તેણે સેંકડો અજાણ્યા પુરુષોની હેવાનિયતનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં આ મામલે ફ્રેન્ચ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને પીડિતા આ નરાધમ પતિને કડકમાં કડક સજા મળે તેની રાહ જોઈ રહી છે.
અહેવાલો અનુસાર, આ સમગ્ર ક્રૂરતા પાછળ લેટીશિયાનો પૂર્વ પાર્ટનર ગુઇલોમ બોચી જવાબદાર છે, જે એક પ્રતિષ્ઠિત મોટી બેંકમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તે ઉચ્ચ શિક્ષિત અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતો વ્યક્તિ હતો. આશરે ૧૧ વર્ષ પહેલાં બંનેની મુલાકાત થઈ હતી અને શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. પરંતુ ધીમે-ધીમે બોચીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું. તેણે માનસિક દબાણ બનાવીને લેટીશિયાને સંપૂર્ણપણે પોતાની ગુલામ બનાવી દીધી અને ધમકી આપવા લાગ્યો કે જે તે કહેશે તે જ તેણે કરવું પડશે.
બોચીએ લેટીશિયાના જીવનના દરેક નાના-મોટા નિર્ણય પર પોતાનો સંપૂર્ણ અંકુશ મેળવી લીધો હતો. તેણી ક્યારે જાગશે, ક્યારે સૂશે અને કેવા કપડાં પહેરશે તે બધું જ બોચી નક્કી કરતો હતો. ક્રૂરતાની હદ તો ત્યાં આવી ગઈ કે લેટીશિયાને અન્ડરવેર પહેરવાની પણ મનાઈ હતી અને બાથરૂમ જવા માટે પણ પરવાનગી લેવી પડતી હતી. તેને દર દસ દિવસે માત્ર એક જ આખી રાત ઊંઘવા દેવામાં આવતી હતી, જ્યારે બાકીની રાતો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં અથવા અજાણ્યા પુરુષો સાથે વિતાવવા માટે મજબૂર કરવામાં આવતી હતી.
અદાલતમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, બોચી માત્ર માનસિક જ નહીં પણ અત્યંત ઘાતકી શારીરિક ત્રાસ પણ આપતો હતો. લેટીશિયાને ચામડાના બેલ્ટ, લાકડાના કટીંગ બોર્ડ અને ઈલેક્ટ્રિક વાયર વડે બેરહેમીથી ફટકારવામાં આવતી હતી. આટલું જ નહીં, બોચીએ છરી અને તીક્ષ્ણ બ્લેડથી લેટીશિયાની પીઠ પર અસંખ્ય ઘા કર્યા હતા અને સળગતી સિગારેટોથી તેના શરીરને ડામ આપ્યા હતા. લેટીશિયા જ્યારે પીડાથી ચીસો પાડતી, ત્યારે તેના પર વધુ હિંસા આચરવામાં આવતી. તપાસ દરમિયાન પોલીસને એવા સેંકડો વોટ્સએપ મેસેજ અને વોઇસ રેકોર્ડિંગ મળ્યા છે, જેમાં બોચીએ તેને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપી હતી.
આ અત્યાચારની ચરમસીમા વર્ષ ૨૦૧૭માં જોવા મળી, જ્યારે લેટીશિયાએ એક માસૂમ પુત્રીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યાના બીજા જ દિવસે, જ્યારે તે હજી પ્રસૂતિની અસહ્ય પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે બોચીએ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને એક અજાણ્યા ટ્રક ડ્રાઈવર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
--------