BREAKING NEWS

પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધી, પછી પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, અમદાવાદના બાપુનગરમાં ચોંકાવનારો બનાવ

  • December 24, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બંનેએ ચાર વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. બાપુનગર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા સોસાયટીની આજુબાજુ કચરા-પોતાં કરવાનું કામ કરતી હતી. આ ઘટના અંગેનું કારણ હજુ અકબંધ છે.


મળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ખૂની ખેલ ખેલાતાં ચકચાર મચી ગઈ હતી. બંધબારણે પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિના શરીર પર ઈજાનાં નિશાન જોતાં પોલીસને લાગી રહ્યું છે કે બન્ને વચ્ચે પહેલા મારમારી થઈ હશે અને બાદમાં ખૂની ખેલ ખેલાયો હશે.


બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રાહુલ રમેશજી ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મેહુલ રમેશજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાહુલ મૂળ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ભીલાચલ ગામનો રહેવાસી છે. તે છેલ્લાં અઢી વર્ષથી મોટા ભાઈ મેહુલ અને ભાભી નીતા સાથે રહેતો હતો અને નિકોલ ખાતે આવેલા મુક્તિધામ એસ્ટેટ પાસે એક કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. રાહુલના પિતા રમેશજી વર્ષ 2023માં અવસાન પામ્યા હતા, જ્યારે તેની માતા ચંદાબેન પોતાના વતનમાં રહે છે. રાહુલનો ભાઈ પણ નોકરી કરે છે જ્યારે તેની પત્ની નીતા પાડોશમાં કચરા-પોતાંનું કામ કરતા હતા. મેહુલે ચાર વર્ષ પહેલાં નીતા સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. રાહુલના પણ લગ્ન કાજલ નામની યુવતી સાથે સાત મહિના પહેલાં થયા હતા, પરંતુ કાજલ હાલ તેના પિયરમાં રહે છે.


ગઈકાલે રાહુલ નોકરી પર ગયો હતો ઘરે જમવા માટે આવ્યો હતો. ઘરે કોઈ હાજર નહીં હોવાથી રાહુલ જમીને આરામ કરી રહ્યા હતો. આરામ કર્યા બાદ રાહુલ નોકરી પર જવા માટે નીકળી ગયો હતો. રાતે સાડાનવ વાગ્યાની આસપાસ તે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હતો અને બારી પણ બંધ હતી. રાહુલે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. રાહુલે તુરંત જ તેના ભાઈ મેહુલ અને ભાભી નીતાને ફોન કર્યો હતો, પરંતુ બન્નેમાંથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં, જેથી તેને શંકા ગઈ હતી. રાહુલ ધાબા પર ગયો હતો અને ત્યારબાદ કૂદકો મારીને ઘરની પાછળના ભાગે ગયો હતો અને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યો હતો અને બૂમો પણ પાડી હતી. રાહુલની બૂમો સાંભળીને પણ બન્નેમાંથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં.


રાહુલને શંકા જતાં તેણે પોતાના સંબંધીઓને ફોન કરીને બોલાવી લીધા હતા. સંબંધીઓએ દરવાજો ખોલીને જોયું તો તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેહુલ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો, જ્યારે તેની ભાભી નીતા લોહીથી લથબથ હાલતમાં જમીન પર હતી. રાહુલે બૂમાબૂમ કરીને મકાનમાલિક સહિતના લોકોને બોલાવી લીધા હતા. મકાનમાલિકે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી, જેથી તેઓ પણ ઘટનાસ્થળે આવી ગયા હતા. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ મેહુલ અને નીતાને મૃત જાહેર કર્યાં હતાં.


સ્થાનિક કોઈ વ્યકિતએ તુરંત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો, જેથી પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે આ મામલે રાહુલની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મેહુલે પહેલા નીતાની હત્યા કરી અને બાદમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મેહુલના હાથમાં તેમજ ગળાના ભાગમાં ઈજાનાં નિશાન હતાં, જેથી પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મેહુલ અને નીતા વચ્ચે મારમારી પણ થઈ હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application