દ્વારકામાં રચાશે ઈતિહાસ: કાલે આહિરાણીઓનો મહારાસ

  • December 23, 2023 12:59 PM 

ઐતિહાસિક મહારાસની તૈયારીઓ પૂર્ણ: સાંસદ પૂનમબેન માડમ પણ મહારાસમાં જોડાશે: વિશાળ ગ્રાઉન્ડ પર તૈયારીઓનો આખરી ઓપ: આજ બપોરના ૩ વાગ્યા બાદ કાર્યક્રમોની શરુઆત: કાલે રાત્રે ૩૭ હજાર આહિરાણીઓ એકી સાથે રાસ રમીને રચશે નવો રૅકોર્ડ: ગુજરાત અને દેશભરના આહિર સમાજમાં ભારે ઉત્સાહ

આજે અને કાલે બે દિવસ શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસ રચાવાનો છે, કાલે ૩૭ હજાર આહિરાણીઓ જ્યારે પારંપારિક પોષાકમાં મહારાસ રમશે ત્યારે એક અદ્ભૂત નજારો સર્જાઈ જશે. આજ બપોરના ૩ કલાક બાદથી જૂદા-જૂદા કાર્યક્રમોની શરુઆત થશે, તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર શણગાર કરવામાં આવેલ છે, જગત્ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી ટીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.
જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તા.૨૩-૨૪મી ડીસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને યોજાનારા દિવ્ય મહારાસમાં હાલાર ઉપરાંત રાજયના જુદા જુદા ૨૪ જિલ્લા સહિત વિવિધ પ્રાંતના ૩૭ હજાર આહિરાણીઓ પરંપરાગત પરીધાનમાં સજજ બની જોડાશે.
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આજથી બે દિવસ કૃષ્ણનગરી દ્વારકા ખાતે આવેલા નંદધામ પરિસરમાં દોઢ લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં ૩૭ હજાર જેટલી આહિરાણીઓ મહારાસ રમશે. અખિલ ભારતીય આહિર મહારાસ સંગઠ્ઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ બાણાંસૂરના પુત્રી અને અનિરુદ્ધની પત્ની ઉષા પણ રાસ રમ્યા હતાં, તેમની સ્મૃતિ રુપે યાત્રાધામના આંગણે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. યાદવ કૂળના ૩૭ હજાર આહિરાણીઓ રાસ રચીને કાળિયા ઠાકોરના ચરણોમાં સમર્પિત કરશે.
એક અંદાજ મુજબ દેશભરમાંથી પોણા બે લાખથી વધુ લોકો ઉમટી પડશે.મહારાસને અનુલક્ષીને સ્ટેજ સહિત વિવિધ સમિતિઓ પણ કાર્યરત બની છે.શનિવારે બપોરે બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થશે.સ્ટેજ વ્યવસ્થા માટે સીતેરથી વધુ સ્વયંસેવકો સાથે ભોજન પ્રસાદી વ્યવસ્થામાં એક હજારથી વધુ કાર્યકરો જોડાશે.જયારે લગભગ ૫૦ તબીબો સાથે ખાસ મેડીકલ ટીમ પણ સેવારત રહેશે.
દ્વારકાના આંગણે મહારાસના અનુસંધાને લોકોનો પ્રવાહ પણ પુર્વ સંધ્યાથી ધીરે ધીરે શરૂ થયો છે. સ્ટેજ, પાર્કિંગ, ઉતારા, જમણવાર સહિતની તમામ વ્યવસ્થાઓને પૂર્વ સંધ્યાએ આખરી ઓપ આપી દેવાયો છે. આજ સવારથી જ જામનગર આહિર સમાજના યુવા આગેવાનો સહિતની ટીમ થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરી રહી છે કારણ કે બપોરે ૩ વાગ્યે બિઝનેસ એકસપોનું ઉદ્ઘાટન થવાનું છે જેમાં હસ્તકલા ઉદ્યોગનું નિદર્શન કરવામાં આવશે.
આ તમામ કાર્યક્રમોમાં વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભીખુભાઈ વારોતરિયા, મુળૂભાઈ કંડોરિયા, પ્રવિણભાઈ માડમ સહિતના વરિષ્ઠ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગરથી આહિર યુવા સમાજની ટીમ પણ દ્વારકા પહોંચી છે.
એકી સાથે ૩૭ હજાર આહિરાણીઓ આવતીકાલે ૮:૩૦થી ૧૦ વાગ્યા સુધી જ્યારે મહારાસ રમશે ત્યારે ધર્મનગરી દ્વારકામાં એક અનોખો ઈતિહાસ રચાઈ જશે અને આ નજારો જોવો પણ અદ્ભૂત બની રહેશે એ માટે જ આહિર સમાજના લોકો તો આજથી જ દ્વારકા તરફ જઈ રહ્યાં છે, આ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ આ અદ્ભૂત કાર્યક્રમના સાક્ષી બનવા માટે દ્વારકા પહોંચે એવું માનવામાં આવી રહ્યું છે.
***
સ્વયંસેવકને પાન ફાકી કે સિગારેટની મનાઇ
મહાપ્રસાદમાં કે અન્ય સ્વયંસેવકોને સેવા દરમિયાન કોઈપણ જાતના પાન ફાકી કે સિગારે તમાકુ ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ ક્યાંય પણ કચરો ન ફેકવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ સ્વચ્છતા જાળવવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અને સ્વચ્છતા માટે પણ એક અલગ ૧૦૦ લોકોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં અલગ અલગ જગ્યાએ સ્વયંસેવકો રહેશે અને કોઈપણ કચરો ન ફેકે અને ફેકે તો પણ તેઓને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવે તે રીતે આખી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
***
મહારાસ માટે મહીલાઓ માટે ખાસ વ્યવસ્થા
આવતીકાલે ભવ્ય રીતે ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીરરાણીઓ મહારાસ મહારાસ રમવા જઈ રહી છે. અને એક વિશ્વ વિક્રમ સર્જાવા જઇ રહી છે. ત્યારે આયોજકો દ્વારા ખાસ ૫૦૦ એકરમાં  મહારાસનું એક ખાસ ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે ૫૦ હજારથી પણ વધુ મહિલાઓ રાસ રમી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ ૩૭ હજારથી  પણ તે પણ વધુ મહીલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આ મહિલાઓ આવતીકાલે એક સાથે પરંપરાગત વેસમાં રાસ રમશે.
***
કઈ રીતે મહિલાઓ રાસ રમશે?
મહિલાઓ માટે ખાસ મહારાસ માટેનું એક મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન ૫૦૦એકર પણથી પણ વધુમાં પથરાયેલું છે. જેની લંબાઈ અંદાજિત પાંચ કિલોમીટરની છે. આ મહારાસમાં મહિલાઓના ૬૮ રાઉન્ડ કરવામાં આવશે જેમાં પ્રથમ રાઉન્ડ ૧૬૮ રાઉન્ડથી શરૂ થઈ ૬૮મુ રાઉન્ડમાં ૧૫૦૦ જેટલી મહિલાઓ હશે જે રાઉન્ડ ૨ કિલો મીટર લાંબો હશે.
***
મહિલાઓ ઉપવાસ તેમજ મૌન વ્રત ધારણ કરશે
મહારાસમાં ૩૭થી વધુ મહીલાઓ રાસ રમવા જઈ રહી છે. જેમાં મહિલાઓ પોતે ઉપવાસ તેમજ મૌન વ્રત ધારણ કરી આ રાસ રમશે. મહારાષ્ટ્રનું કાર્યક્રમ અંદાજિત બે કલાકથી પણ વધુ સમય સુધી ચાલશે ત્યાં સુધી મહિલાઓ પોતે મૌન વ્રત ધારણ કરશે તેમજ ઉપવાસ કરશે. અને સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ તેમજ સ્વયંસેવકો દ્વારા એક ભવ્ય શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ કાર્યક્રમ સ્થળેથી દ્વારકાધીશ મંદિર સુધી જશે જ્યાં મહીલાઓ વિશ્વ શાંતિની પ્રાર્થના કરશે
***
સમાજના એક પણ આગેવાન સન્માન કે ભાષણ નહીં આપે
મહારાસ દરમિયાન ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો પણ આ ઉમટશે દરમિયાન ઉમટ છે. પરંતુ એક પણ આગેવાનનું સન્માન નહીં કરવામાં કરવા આવે તેમજ એક પણ સમાજના આગેવાન સમાજ સંદેશ સિવાય  પોતાનું વક્તવ્ય નહીં આપે.
***
૧૦ હેકટરમાં મહાપ્રસાદની વ્યવસ્થા
સૌરાષ્ટ્ર ની ધરતી જ્યા ધાબડીયા વરણ ની ઓળખ આહિરનો આશરો અને અમીરાત ત્યારે દ્વારકામાં મહારાસનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મહારાસની સાથે સાથે એક મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પાંચ લાખથી પણ વધુ લોકોની સંખ્યા મહાપ્રસાદમાં થાય તો પણ લોકોને લાઈનમાં પાંચ મિનિટથી વધુના ઊભું પડે તે માટેની એક ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ ભોજનાલય ૧૦ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પથરાયેલું છે માત્ર ભોજનાલયમાં જ ૨ હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે તેમજ ૩૫૦ જેટલા રસોઈયાઓ ભાગ લેશે.
***
આખી વ્યવસ્થા કંઈ રીતે ગોઠવવામાં આવી છે?
ભોજના લઈને સંપૂર્ણ વ્યવસ્થા થ્રી લેયરમાં ગોઠવવામાં આવી છે. જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ત્રણ ગણી રાખવામાં આવી છે. પછી રસોઈ હોય કે પછી અન્ય વ્યવસ્થા હોય કે જમવાની વ્યવસ્થા  કે અન્ય કોઈપણ વ્યવસ્થા છે. તે ત્રણ ગણા ટાર્ગેટમાં રાખવામાં આવી છે. જો ૧૦ લાખ લોકો પણ મહાપ્રસાદમાં થાય તો તેમને ઝડપીથી કઈ રીતે પૂર્ણ કરી શકાય તે રીતની આખી વ્યવસ્થા ભોષનાલયમાં ગોઠવવામાં આવી છે. તેમજ ભોજનાલયમાં મોટાભાગની વસ્તુ લાઈવ જ બનાવવામાં આવશે અને જેમના અલગ અલગ વિભાગો પણ રાખવામાં આવ્યા છે.જે પણ થ્રી લેયરમાં બનાવવામાં આવ્યા છે.
***
૨ હજારથી પણ વધુ સ્વયંસેવકો રહેશે ખડે પગે
મહારાસ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે. જેને લઇ મહાપ્રસાદ માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સંપૂર્ણ વ્યવસ્થા માટે થ્રી લેયર કમિટી બનાવવામાં આવી છે. જેમાં ૨ હજારથી પણ વધુ સ્વયંસેવકો તેમજ કમિટીના સભ્યો સેવા આપશે. તેમજ ૩૫૦ થી પણ વધુ રસોઈઓ પણ રસોઈ બનાવવામાં ભાગ લેશે જેમાં કોઈપણ આઈટમ અલગ અલગ ત્રણ જગ્યાએ બનાવવામાં આવશે. જેમના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તો પણ પુર્ણ પૂરી વ્યવસ્થા પૂરી પડી જાય તે રીતનું આખો આયોજન ગોઠવવામાં આવ્યો છે.
***
ટેબલ પર પોહચવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
ભોજનાલયમાં ૫૦થી પણ વધુ અલગ અલગ ટેબલ ગોઠવવામાં આવશે.અને આખું ભોજન લઈ ૧૦ એકરથી પણ વધુ જગ્યામાં પથરાયેલુ છે. ત્યારે ટેબલ પર કોઈ પણ વસ્તુ કઈ રીતે તાત્કાલિક પહોંચાડવી તેના માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને તેમની પણ એક સ્વયંસેવકોની અલગ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ૫૦૦ જેટલા સ્વયંસેવકો ભાગ લેશે. કોઈપણ ટેબલ પર કોઈ પણ વસ્તુ ખૂટે તો તેમને પાંચ મિનિટની અંદર કંઈ રીતે પહોંચાડી શકાય તે રીતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
***
આજથી બે દિવસ ચાલનારા મહારાસના કાર્યક્રમની રુપરેખા
આજે બપોરે ૩ વાગ્યે ઉદ્ઘાટન બિઝનેસ ઍકસપો તથા હસ્તકલા ઉદ્યોગ પ્રદર્શન, સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ અને ૭થી ૧૧ વાગ્યા સુધી વૃજવાણીના રાસ-ગરબા તથા કૃષ્ણ કિર્તન (વૃજવાણીની અતિ ઉજળા દિવ્ય રાસના દ્વારિકામાં દર્શનના ભાવથી સાતવિસુ આહિરાણીઓના મહારાસ તથા વિવિધ કૃષ્ણ ભાવના રાસ તથા કિર્તન), રાત્રે ૧૧ વાગ્યે માયાભાઈ આહિર દ્વારા ભવ્ય લોકડાયરો. આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં સવારે પ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં મહારાસ શ્રીકૃષ્ણ તથા દેવોનું આહ્વાન, ૭ વાગ્યે બી.કે.ઉષા દીદી (આબુ) ગીતા સંદેશ અને નારી તું નારાયણીનો સંદેશ આપશે, ૮:૩૦થી ૧૦ દરમિયાન મહારાસ જેમાં દ્વારકા તથા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ જોડાશે, ૧૦થી ૧૦:૩૦ એક લોહિયા આહિર, ૧૦:૩૦થી ૧૧ સામાજિક સંદેશ, ૧૧ વાગ્યે વિશ્ર્વશાંતિ રેલી, બપોરે ૧થી ૩ દરમિયાન સમૂહ પ્રસાદી.
***
રેન્જ આઇજી અને એસપી એ કાર્યકમ સ્થળનું નિરીક્ષણ કર્યું
રાજકોટ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ વડા નિતેશ પાંડેયએ આહિરાણીઓના મહારાસ સહિતના કાર્યક્રમની તૈયારીના સ્થળે જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થા સંબંધ ઍકશન પ્લાન બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application