એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર અભયારણ્યની આસપાસ ધમધમતા રિસોર્ટ્સ અને હોટલો દ્વારા પર્યાવરણીય નિયમોના ઉલાળિયા કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. વન વિભાગની મંજૂરી વિના ખડકાયેલા ૪૦૦થી વધુ રિસોર્ટ્સમાં ગંભીર ગેરરીતિઓ સામે આવ્યા બાદ, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ખંડપીઠે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લા કલેક્ટરો પાસે આગામી ૧૫ એપ્રિલ સુધીમાં પૂરક વ્યક્તિગત સોગંદનામા રજૂ કરવા આદેશ આપ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ગીર વિસ્તારમાં કાયદાકીય માપદંડોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લ ામાં સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં તપાસાયેલા ૩૦૮ એકમોમાંથી ૨૨૧ એકમોમાં ગેરરીતિઓ જોવા મળી છે. આ પૈકી ૫૮ એકમોમાં અતિ ગંભીર પ્રકારના ઉલ્લ ંઘન જણાતા ૨૦ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૮ એકમોને સીલ કરવાની પ્રક્રિયા ગતિમાં છે.
જૂનાગઢમાં પણ ૧૬૪માંથી ૧૪૧ એકમો કાયદાકીય માપદંડોમાં નિષ્ફળ રહ્યા છે, જેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અમરેલી જિલ્લ ામાં ૨૯માંથી માત્ર ૩ જ એકમો સંપૂર્ણપણે નિયમબદ્ધ જણાયા હતા, જ્યારે બાકીના તમામમાં નાની-મોટી ખામીઓ જોવા મળી હતી. અદાલત સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, આ રિસોર્ટ્સમાં નીચે મુજબના ગંભીર ઉલ્લ ંઘનો જોવા મળ્યા છે. જેમા બિન-ખેતી પરવાનગી વિના જમીનનો વ્યવસાયિક ઉપયોગ.
વન વિભાગની પૂર્વ મંજૂરી વગર મોટાપાયે બાંધકામ.
સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો ઉપરાંત પર્યાવરણીય સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણની જોગવાઈઓનો ભંગ.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે અત્યાર સુધી રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં કયા એકમમાં કેવા પ્રકારની ચોક્કસ ખામીઓ છે તેની વિગતવાર માહિતીનો અભાવ છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોટિસ આપવી પૂરતી નથી, પરંતુ દરેક એકમ દીઠ કયા ચોક્કસ નિયમોનો ભંગ થયો છે તેનું વિસ્તૃત વિવરણ આપવું અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલાની શરૂઆત ૨૦૧૪માં એક અજ્ઞાત પત્રના આધારે થઈ હતી. સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડતી આ પ્રવૃત્તિઓ સામે હવે અદાલત કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આગામી સુનાવણીમાં વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવનાર વિગતો આ કેસમાં નિર્ણાયક સાબિત થશે.