BREAKING NEWS

મધરાતે વીજળીના કડાકાથી છોટાઉદેપુર, સાબરકાંઠા, અમરેલી અને ગીર સોમનાથ ધણધણી ઉઠ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

  • May 31, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ૩૧ મેની મધરાતે ૧૨ વાગ્યા બાદ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયો હતો. અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી (અલર્ટ) જાહેર કરી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ મજબૂત પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને આ વરસાદના પગલે મોટી રાહત મળી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીથી આશ્વાસન મળ્યું છે. જો કે, આ તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના થાંભલા અને લાઈનોને નુકસાન થતાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને અનેક જગ્યાએ અંધારપટ છવાયો હતો.

મહીસાગરમાં ભારે તારાજી: રસ્તા પર વૃક્ષો પડતાં ટ્રાફિક જામ

મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર એક વિશાળ ઝાડ રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયું હતું, જેને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો હતો. આ સિવાય મલેકપુર-કડાણા હાઈવે માર્ગ પર પણ વિશાળ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.


પોલીસની પ્રશંસનીય કામગીરી

હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડા અને તેમના સ્ટાફે જેસીબી મશીનની રાહ જોયા વિના, જાતે જ ભારે જહેમત ઉઠાવીને રસ્તા પરથી વૃક્ષના તૂટેલા ભાગોને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને કારણે હાઇવે પરનો વાહન વ્યવહાર ખૂબ જ ટૂંક સમયમાં ફરી કાર્યરત થઈ શક્યો હતો. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ પોલીસની આ સેવાની ભારે બિરદાવી કરી હતી.


ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સ્થિતિ

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે અંદાજે દોઢ ઈંચ જેટલો ખાબકી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં રાત્રે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. હાઇવે પરથી પસાર થતા ખુલ્લા વાહનચાલકો અને માલસામાન ભરેલી ટ્રકોના ચાલકોને પોતાનો સામાન પલળી ન જાય તે માટે રસ્તા કિનારે વાહનો ઊભા રાખી તાડપત્રી કે અન્ય સાધનોથી સમાન ઢાંકવાની ફરજ પડી હતી.


સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો હતો. ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. જો કે, પ્રી-મોન્સૂન વરસાદના કારણે સામાન્ય જનતાને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ઉનાળાના પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતાં જગતના તાત ગણાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News