BREAKING NEWS

મોંઘા સોના-ચાંદીની સ્વાસ્થ્ય પર હાનિકારક અસર

  • January 24, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં ભૂરાજકીય હલચલના પગલે દેશમાં સોના-ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવ માઝા મૂકી રહ્યા છે. આજે રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,62,000 તથા ચાંદીનો ભાવ 3,35,000ને પાર નોંધવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સોના અને ચાંદીના કારણે આભૂષણો મોંઘા બને એ જાણીએ છીએ. પરંતુ સોના અને ચાંદીને ગ્લોબલ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. સોના અને ચાંદીના ભાવમાં વધારાના કારણે માત્ર સોના ચાંદીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને જ નહીં કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેમ છે. કારણકે સોના ચાંદીના ભાવ વધારાની અસર આયુર્વેદિક દવાઓ મોંઘી બની છે. કઈ કઈ આયુર્વેદિક દવાઓ મોંઘી બની છે ? તેના વિશે જાણીએ.


ડાયાબિટીસની, હૃદય રોગની, સ્ત્રીરોગ અને બાળરોગની દવાઓના ભાવ વધ્યા

ડો.પ્રશાંત ગણાત્રાના જણાવ્યા પ્રમાણે આયુર્વેદ શાસ્ત્રમાં બે પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેટલીક કાસ્ઠ માંથી બને છે. તો ઘણી બધી દવાઓ સોના-ચાંદી જેવા રસાયણમાંથી બને છે. આ અંગે આયુર્વેદિક ડો. પ્રશાંત ગણાત્રા જણાવે છે કે જે રીતે સોનામાં 24 કેરેટ અને 22 કેરેટ હોય છે. એ જ રીતે આયુર્વેદમાં પણ કેટલીક દવાઓમાં 1 ગ્રામ સુવર્ણ તો કેટલીકમાં 5 ગ્રામ સુવર્ણનો ઉપયોગ થાય છે. જે દવામાં તેનો ઉપયોગ જેટલો હોય એ પ્રમાણે તેના ભાવ પર અસર પડી શકે છે. જેમાં મુખ્યત્વે ડાયાબિટીસ માટે વપરાતી વસંત કુસુમાકર, ગર્ભસ્થ શિશુના પોષણ માટે વપરાતી ગર્ભચિંતામણી, બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારતી કુમાર કલ્યાણરસ , બાળકો તથા વૃદ્ધોની યાદશક્તિ માટે વપરાતી બ્રાહ્મી વટી, મૂઢ શરદી માટે વપરાતી સુવર્ણ વસંત માલતી, હૃદય રોગના હુમલા સહિતની હૃદયની વિવિધ બીમારીઓ માટે વપરાતી બૃહદ વાત ચિંતામણી રસ, પિત્ત પ્રધાનમંત્રી દૂર કરતી શુદ્ધ શેખર રસ, અનેક બીમારીઓમાં વપરાતી સુવર્ણ ભસ્મ જેવી દવાઓના ભાવ પર સોના ચાંદીના ભાવ વધારાને કારણે માઠી અસર પડી છે. બાળકોને અપાતા સુવર્ણપ્રાશનમાં બ્રાહ્મી, શંખપુષ્પી અને સુવર્ણનો ઘસારો આપવામાં આવે છે. કેટલીક આયુર્વેદિક દવાઓમાં ચાંદીનો વરખ લગાવવામાં હોય છે. કેટલીક દવાઓમાં સોનુ,ચાંદી, મોતી અને પ્રવાલનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને લાંબા ગાળાના જુના હઠીલા રોગને જડમૂળથી ઉખાડવામાં સોના અને ચાંદીના રસાયણ યુક્ત દવાઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. જેના ભાવ પર મોટી અસર પડી છે.

આયુર્વેદિક દવાઓ 15 થી 35 ટકા જેટલી મોંઘી બની : ડો.પ્રશાંત ગણાત્રા

આપણા દેશમાં વર્ષોથી 50થી વધુ આયુર્વેદિક દવાઓની બનાવટમાં સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ડાયાબિટીસ, બાળરોગ, સ્ત્રીરોગ, શરદી, ઉધરસ, તાવ જેવી વિવિધ બીમારીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી 50 જેટલી આયુર્વેદિક દવાઓ 15થી 35 ટકા સુધી મોંઘી બની છે. જેના કારણે આ દવાઓનો ઉપયોગ કરવાના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ વધી શકે છે. તો આ દવાઓ મોંઘી બનતા કેટલાક તબીબો દર્દીઓને ધ્યાનમાં રાખીને આ દવા પ્રિસ્ક્રિપ્શનમાં લખી નહીં શકે. અથવા તો ડોક્ટર લખી દેશે તો દર્દીઓને ગજવા હળવા કરવાની તૈયારીમાં રહેવું પડશે.

50 જેટલી આયુર્વેદિક કંપનીઓની સોના અને ચાંદી યુક્ત દવાઓ બની મોંઘી : આનંદ મહેતા

આ અંગે રાજકોટના આયુર્વેદ ડિપાર્ટમેન્ટના ફૂડ એન્ડ ડ્રગ્સ ટેકનિકલ ઓફિસર આનંદ મહેતા જણાવે છે આયુર્વેદમાં ચ્યવનપ્રાશ સહિત અનેક દવાઓમાં સોના અને ચાંદીના નેનો પાર્ટીકલનો ઉપયોગ થાય છે. દેશમાં 40 થી 50 આયુર્વેદિક કંપનીઓ દ્વારા આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થાય છે જેમાં દૂધપાપેશ્વર, વૈધનાથ, ડાબર સહિતની કંપનીઓ દ્વારા સોના અને ચાંદીમાંથી શક્તિવર્ધક દવાઓ બનાવવામાં આવે છે. જ્યારે ચાંદી બેક્ટેરિયા મારવાનો ગુણધર્મ ધરાવે છે. જેથી વર્ષો જુના કે હઠીલા રોગો નિવારવા માટે આ બંને ધાતુઓની ભસ્મનો આયુર્વેદિક દવાઓમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આયુર્વેદિક દવાઓમાં ચાંદી અને સોનાની ભસ્મ બનાવવાની વિશેષ પ્રક્રિયા હોય છે. કેટલીક મિશ્રધાતુઓની દવાઓમાં પણ મિશ્રણ તરીકે સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાનમાં બજારના પ્રવાહને જોતા સોના અને ચાંદીના મિશ્રણ વાળી આયુર્વેદિક દવાઓ મોંઘી બને છે. આ દવાઓમાં છેલ્લા ત્રણ મહિનામાં 10 થી 15 ટકાનો તથા છેલ્લા એક વર્ષમાં 35 થી 40 ટકાનો વધારો થતાં ગ્રાહકોને આ દવાઓ મોંઘી મળી શકે છે.


કઈ દવાઓ કેટલી મોંઘી બની ?

માત્રા સંખ્યા/ ગ્રામમા      પહેલા      પછી

વસંત કુસુમાર રસ (100) 9350      11,000

ગર્ભચિંતામણી રસ (10)   1,450     1665

કુમાર કલ્યાણ રસ (10)    3210      4,140

બ્રહ્મીવટી (10).                  620        7,15

વસંત માલતી રસ (30)     2,700     3680

બૃહદ વાતચિંતામણી રસ (25) 5500   6,23

સૂત શેખર રસ ( 25 )       2,461       2,980

સુવર્ણ ભસ્મ (125 મિ.ગ્રા) 3,675      4,175

રૌપ્ય ભસ્મ ( 2.5 ગ્રામ)  8,45.       1,141



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application