ગુજરાતના પ્રખ્યાત અને લોકપ્રિય હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એક અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરી છે. વર્ષોથી પરંપરાગત ખગોળીય સંકેતો અને કુદરતી પરિબળોના આધારે હવામાનની સચોટ માહિતી આપતા અંબાલાલ પટેલે હવે પછી હવામાન અંગેની કોઈપણ પ્રકારની આગાહી નહીં કરવાનો આકરો નિર્ણય લીધો છે. આજથી જ તેઓ હવામાન વિષયક તમામ અનુમાનો બંધ કરી રહ્યા છે. મળતી વિગતો મુજબ, વિજ્ઞાનજાથા દ્વારા આપવામાં આવેલી કાનૂની અને સામાજિક ચિમકીઓથી ત્રસ્ત થઈને તેમણે ભારે હૈયે આ મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
વિજ્ઞાનજાથાએ ઉઠાવ્યા હતા સવાલો
તાજેતરમાં વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી કરવાની પદ્ધતિ અને તેની વૈજ્ઞાનિક વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જયંત પંડ્યાએ આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, હવામાન એ સંપૂર્ણપણે આધુનિક વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઈટ ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ (IMD) જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત-દિવસ ડેટાનું એનાલિસિસ કરીને યોગ્ય માહિતી આપતી હોય છે. આવા વૈજ્ઞાનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ સત્તાવાર આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ-નક્ષત્રોના આધારે લાંબાગાળાની આગાહીઓ કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે તેવી ચિમકી તેમણે આપી હતી.
અત્યાર સુધી સેવાની ભાવનાથી કામ કર્યું
આ સમગ્ર વિવાદ વચ્ચે અંબાલાલ પટેલે સ્પષ્ટ દાવો કર્યો હતો કે તેઓ સમાજમાં કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, પરંતુ વર્ષોથી જગતના તાત એવા ખેડૂતોના હિતમાં નિઃસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમણે પોતાની લાયકાત અને બહોળા અનુભવનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે. તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર જ આધારિત હોતી નથી, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી ચોક્કસ સિસ્ટમ તેમજ કૃષિ હવામાનના ઊંડા અભ્યાસનો સમન્વય હોય છે. જોકે, આ વિવાદ સતત વધતા આખરે તેમણે હવેથી મૌન ધારણ કરવાનો અને આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય નામ
અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાતમાં એક અનોખા અને જાણીતા હવામાન નિષ્ણાંત તરીકે ઓળખાય છે. તેઓ વિજ્ઞાનની સાથે સાથે પરંપરાગત ખગોળીય સંકેતો અને પ્રાકૃતિક પરિબળોના અનોખા સમન્વયના આધારે હવામાનની ભવિષ્યવાણી કરવા માટે જાણીતા બન્યા છે. ખાસ કરીને ચોમાસામાં ક્યારે વરસાદ પડશે, વાવાઝોડું ક્યારે ત્રાટકશે, શિયાળાની ગુલાબી ઠંડી કે ઉનાળાની આકરી ગરમી કયા દિવસોમાં પડશે તેની લાંબાગાળાની આગાહીઓના કારણે તેઓ વર્ષોથી સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહના માધ્યમોમાં ભારે ચર્ચામાં રહે છે.
કોણ છે અંબલાલ પટેલ?
અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. તેઓ પોતે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે આણંદની પ્રસિદ્ધ બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓએ મદદનીશ ખેતી નિયામક જેવા ઉચ્ચ હોદ્દા પર પણ ફરજ બજાવી હતી. આ સિવાય સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે સેવાઓ આપીને તેઓ સપ્ટેમ્બર 2005માં સરકારી સેવામાંથી નિવૃત થયા હતા.