BREAKING NEWS

ગુજરાત SGST નો રાજ્યવ્યાપી મેગા ઓપરેશન: પાન મસાલા, બીડી-સિગારેટના વેપારીઓને ત્યાં સાગમટે દરોડા

  • July 10, 2026 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પાન-માવાની દુકાનો અને ગલ્લાઓ પર સવારથી સાંજ સુધી સામાન્ય નાગરિકોની ભીડ જોવા મળે છે. રોજિંદા કરોડો રૂપિયાના થતા આ વેપારમાં ગ્રાહકો મોટેભાગે બિલ લેવાનું ટાળતા હોય છે અને વેપારીઓ બિલ આપવાનું. ગ્રાહકોની આ જ સહજ આદતનો ફાયદો ઉઠાવીને કેટલાક મોટા વેપારીઓ ટેક્સની ચોરી કરીને પોતાની તિજોરીઓ ભરતા હોય છે. પરંતુ, બિલ વગર કાળો કારોબાર કરનારા આવા તત્વો સામે ગુજરાત સ્ટેટ જીએસટી (SGST) વિભાગે એક મોટો સપાટો બોલાવ્યો છે, જેનાથી સમગ્ર બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે ટેક્સ ચોરી કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વ્યવસાયમાં મોટાપાયે બિલ વગર વેચાણ થતું હોવાની પાકી બાતમીના આધારે વિભાગે એક સાથે અનેક શહેરોમાં દરોડા પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જ રૂપિયા ૬.૫૪ કરોડની મસમોટી કરચોરી ઓન-રેકોર્ડ પકડાઈ ગઈ છે અને હજુ પણ આ આંકડો ઘણો વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.


૮મી જુલાઈએ ૧૦ શહેરોના ૪૧ સ્થળો પર સામૂહિક સ્ટ્રાઈક
જીએસટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા વેપારીઓને પકડવા માટે સ્ટેટ જીએસટીની ટીમોએ 8મી જુલાઈના રોજ એક સુઆયોજિત ઓપરેશન પાર પાડ્યું હતું. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના મુખ્ય કેન્દ્રો જેવા કે ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા સહિતના વિસ્તારોને રડારમાં લેવાયા હતા. આ વિસ્તારોના ૨૭ મોટા વેપારીઓના ૪૧ ધંધાકીય સ્થળો (ગોડાઉન અને ઓફિસ) પર જીએસટીના અધિકારીઓએ એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.


ચોપડા અલગ અને ગોડાઉનનો સ્ટોક અલગ
દરોડા દરમિયાન અધિકારીઓને વેપારીઓની ચાલાકી પકડી પાડવામાં મોટી સફળતા મળી છે:


​​​​​​​૧. સ્ટોકમાં મોટો તફાવત: અનેક સ્થળોએ હિસાબી ચોપડામાં જે સ્ટોક બોલતો હતો અને વાસ્તવમાં ગોડાઉનમાં જે માલ પડ્યો હતો, તે બંને વચ્ચે આભ-જમીનનો તફાવત જોવા મળ્યો હતો.

૨. ટર્નઓવર છુપાવવાનો ખેલ: વેપારીઓ ગ્રાહકોને (B2C - બિઝનેસ ટુ કન્ઝ્યુમર) બિલ આપ્યા વગર સીધો જ માલ વેચી દેતા હતા અને આ નફાને હિસાબમાં નોંધતા જ નહોતા. આ રીતે વાસ્તવિક ટર્નઓવર ઓછું દર્શાવીને સરકારને ચૂકવવાનો થતો ટેક્સ બચાવી લેવાતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application