BREAKING NEWS

ઈંધણ બચાવવા ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, DGP કે. એલ. એન. રાવનો બિનજરૂરી સરકારી વાહનો ન વાપરવા આદેશ

  • May 13, 2026 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનો અને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલના પગલે ગુજરાત સરકાર બાદ હવે રાજ્યનો પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પોલીસની રોજિંદી કામગીરીમાં ઈંધણનો વપરાશ કઈ રીતે ઘટાડી શકાય તે અંગે મહત્વના દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગનો હેતુ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં બાંધછોડ કર્યા વિના 5 થી 10 ટકા જેટલા ઈંધણની બચત કરવાનો છે.


વર્ચ્યુઅલ મીટિંગ અને કોર્ટ સુનાવણી પર ભાર

પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલા સૌથી મહત્વના નિર્ણય મુજબ, હવે જિલ્લા સ્તરે, રેન્જ સ્તરે કે હેડક્વાર્ટર ખાતે યોજાતી મોટાભાગની મીટિંગો ‘ફિઝિકલ મોડ’ના બદલે ‘વર્ચ્યુઅલ મોડ’ (વીડિયો કોન્ફરન્સ) દ્વારા યોજવામાં આવશે. આનાથી અધિકારીઓના વાહનોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ઉપરાંત, તપાસ અધિકારીઓ (IO) જે વારંવાર વિવિધ કોર્ટમાં મુદ્દત માટે જતા હોય છે, તેમને પણ કોર્ટની પરવાનગી મેળવીને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી વાહનોના બિનજરૂરી વપરાશ અને ઈંધણના ખર્ચમાં બચત થઈ શકે.


જેલ વિભાગમાં ડિજિટલ રજૂઆતનો વધારો

જેલ વિભાગમાં પણ કેદીઓને જેલમાંથી કોર્ટ સુધી લઈ જવા માટે થતો વાહનોનો વપરાશ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હાલમાં 75 થી 80 ટકા જેટલા કેદીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, જેની ટકાવારી હજુ વધારવા માટે પ્રયાસો કરવામાં આવશે. આ પદ્ધતિથી ઈંધણની બચતની સાથે સાથે સુરક્ષા વ્યવસ્થામાં પણ અનુકૂળતા રહે છે.


રોજિંદી કામગીરીમાં શિસ્ત અને બચત

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષા, ગુનાની તપાસ અને કાયદો-વ્યવસ્થા જેવી પાયાની કામગીરીમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. પરંતુ, પેટ્રોલિંગ અને અન્ય વહીવટી કામગીરીમાં વાહનોના બિનજરૂરી ઉપયોગને ટાળીને ઈંધણ બચાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી છે. આ નવતર પ્રયોગ દ્વારા ગુજરાત પોલીસ ઈંધણ બચત અને પર્યાવરણ જાળવણીની દિશામાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application