ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ને રાજ્યમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા સાંપડી છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવાના અભિયાન હેઠળ ગુજરાત એટીએસએ પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ પાંચ સક્રિય આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાં છુપાઈને દેશવિરોધી ષડયંત્ર રચી રહ્યા હતા, જેમને એટીએસની ટીમે એક ચોક્કસ ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. આ મોટી કાર્યવાહીથી આતંકી સંગઠનના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.
એટીએસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ, પકડાયેલા આ પાંચેય આતંકીઓની ઓળખ બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અય્યુબ કડીવાલા, મોહમ્મદ હસન કરાડિયા, મોહમ્મદ અય્યુબ સુણાસરા અને મોહમ્મદ સફી મુખી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરોના સીધા સંપર્કમાં હતા અને તેમના આદેશ પર જ સ્થાનિક સ્તરે નેટવર્ક મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. હાલમાં એટીએસ દ્વારા આ તમામના રિમાન્ડ મેળવીને તેઓ કયા ષડયંત્રમાં સામેલ હતા અને તેમને ફંડિંગ ક્યાંથી મળતું હતું તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસએ અગાઉ જૈસ-એ-મોહમ્મદના આઠ આતંકીઓની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં લેવાયેલા આ આતંકીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના ચોંકાવનારા નામ સામે આવ્યા હતા. પૂછપરછ દરમિયાન મળેલી મજબૂત વિગતો અને કડીઓના આધારે એટીએસની ટીમે તપાસનો વ્યાપ વધાર્યો હતો. આ નેટવર્ક ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ સતર્ક બનેલી પોલીસે વધુ પાંચ આતંકીઓને દબોચી લીધા છે.
અગાઉ ત્રણ જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન કરીને આઠ આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખસો જૈસ-એ-મોહમ્મદના મોડ્યુલને સક્રિય કરવા માટે કાવતરું ઘડી રહ્યા હતા. જે અંગેની ગુપ્ત બાતમી મળતા જ એટીએસ દ્વારા અલગ-અલગ પાંચ ટીમો બનાવીને ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસમાંથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખુલતા જ એટીએસ એક્શન મોડમાં આવી હતી વધુ પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરવામાં આવી છે.