BREAKING NEWS

સૌરાષ્ટ્રની મગફળી હવે રશિયા જશે: રશિયન વેપારીઓએ ગોંડલ યાર્ડની મુલાકાત લીધી

  • January 30, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર રશિયા પહોંચશે. રશિયાની ચોકલેટ ઉત્પાદક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને તેમની ટીમે ખાસ ગોંડલની મુલાકાત લઈ મગફળીની ગુણવત્તા ચકાસી હતી. ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે, વિદેશી નિકાસ વધવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને આર્થિક ફાયદો થશે. ગોંડલની મગફળી હવે વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવશે.


સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગૌરવની બાબત 

સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે ખાસ મુલાકાતે પહોંચ્યા હતા. ગોંડલ યાર્ડમાં ઉત્પન્ન થતી ઉચ્ચ ગુણવત્તાની મગફળી હવે સાત સમંદર પાર રશિયા સુધી પહોંચશે, જે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગૌરવની બાબત બની છે.


રશિયન વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ રશિયામાં ચોકલેટ બનાવતી એક અગ્રણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત તેમની ટીમે ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વેપારીઓએ યાર્ડની કામગીરી, મગફળીની ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, ગ્રેડિંગ પ્રક્રિયા અને ખરીદ-વેચાણની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. યાર્ડમાં ઉપલબ્ધ મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન પ્રક્રિયા જોઈ રશિયન વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.


ખેડૂતોને પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળશે

આ મુલાકાત દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે હાલ રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા છે અને આગામી દિવસોમાં મોટાપાયે મગફળીની ખરીદી થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે વિદેશી બજારમાંથી માંગ વધવાથી ખેડૂતોને પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


સૌરાષ્ટ્રની મગફળી હવે વિદેશી બજારમાં પણ તેની ઓળખ ઉભી કરશે

ચેરમેન અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ગોંડલ યાર્ડની મગફળી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ ભાગોમાં જ વેચાતી હતી, પરંતુ હવે વિદેશી બજારમાં પણ તેની ઓળખ ઉભી થઈ રહી છે. ગોંડલ યાર્ડની મગફળી હવે રશિયા જેવા મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચશે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. આંતરરાષ્ટ્રીય વેપારીઓની મુલાકાતથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. સાથે જ સ્થાનિક ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશી ખરીદીથી મગફળીના ભાવમાં સ્થિરતા આવશે અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application