BREAKING NEWS

ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલ્ટો, સવારે આ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો, કરા પણ પડ્યા

  • May 05, 2026 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતના દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મે મહિનાની કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ગણાતા ખેડૂતોમાં ભારે ચિંતાના વાદળો ઘેરાયા છે.


અરવલ્લી જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓ માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસામાં વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. યાત્રાધામ શામળાજી અને તેની આસપાસના વાશેરા કંપા, નાદિસણ તેમજ ઇસરી, રેલ્લાવાડા અને જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. માલપુર પંથકમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ભરાયા હતા. આ અચાનક બદલાયેલા હવામાનથી લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ઉનાળુ પાક જેવા કે મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થાનિકોએ ઉનાળાની ગરમીમાંથી થોડી શાંતિ અનુભવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application