BREAKING NEWS

આરપીએફ રાજકોટ ડિવિઝનની મોટી સફળતા: એપ્રિલ માસમાં મુસાફરોનો ₹5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો

  • May 05, 2026 09:16 AM 

આરપીએફ રાજકોટ ડિવિઝનની મોટી સફળતા: એપ્રિલ માસમાં મુસાફરોનો ₹5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો

ચેન પુલિંગના કિસ્સામાં 23 અને રેલવે મિલકતની ચોરીના કિસ્સામાં 04 આરોપીઓ સામે કાર્યવાહી

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનનું રેલવે સુરક્ષા દળ (RPF) કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત મજબૂતીથી નિભાવી રહ્યું છે. “સેવા હી સંકલ્પ” ના મૂળ મંત્ર સાથે, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર (રાજકોટ) કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા એપ્રિલ 2026 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ સમયગાળા દરમિયાન આરપીએફ દ્વારા રેલવે પરિસર, મુસાફરો અને રેલવે મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ અભિયાનો દ્વારા નીચે મુજબની સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે:

ઓપરેશન અમાનત:
પોતાની કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપતા આરપીએફ દ્વારા સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનના કુલ 19 કિસ્સાઓમાં અંદાજે ₹5,38,699 ની કિંમતની મિલકત શોધી કાઢી તેના અસલી માલિકોને સુરક્ષિત રીતે પરત કરવામાં આવી હતી.

ઓપરેશન નન્હે ફરિશ્તે:
આ અભિયાન અંતર્ગત એક બાળકનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

ઓપરેશન યાત્રી સુરક્ષા:
મુસાફરોના સામાનની ચોરીના 03 કિસ્સાઓમાં કાર્યવાહી કરીને 05 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા.

ઓપરેશન ઉપલબ્ધ:
ટિકિટના કાળાબજાર વિરુદ્ધ કાર્યવાહી કરતા આરપીએફ દ્વારા 01 આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઓપરેશન રેલ સુરક્ષા:  
રેલવે મિલકતની ચોરીના કેસમાં સંડોવાયેલા 04 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન સમય પાલન:
ટ્રેનોના સમયસર સંચાલનમાં અવરોધ ઉભો કરનારા તત્વો સામે કાર્યવાહી કરતા એલાર્મ ચેન પુલિંગ (ACP) ના 27 કેસ નોંધવામાં આવ્યા હતા અને 23 આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન જનજાગરણ:
મુસાફરો અને સામાન્ય જનતાને જાગૃત કરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બેનરો, પીએ સિસ્ટમ દ્વારા જાહેરાતો અને ગ્રામ સરપંચો/અગ્રણીઓ સાથે બેઠકો યોજીને રેલવે ટ્રેક ઓળંગવો નહીં, પથ્થરમારો ટાળવો, નશાયુક્ત પદાર્થોનું સેવન, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન સંપૂર્ણ સતર્કતા સાથે કાર્ય કરીને સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વસનીય રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.”




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application