BREAKING NEWS

રાજકોટમાં લોકસાહિત્યકાર મનહરદાન ગઢવીના પુસ્તક 'ભજન ગંગા ભાગ-૨'નું ભવ્ય વિમોચન

  • July 16, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ કલેકટર કચેરી ખાતે આજરોજ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ લોકસભા મતવિસ્તારના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે જાણીતા લોકસાહિત્યકાર મનહરદાન ગઢવી લિખિત પુસ્તક 'ભજન ગંગા ભાગ–૨'નું ગરિમાપૂર્ણ માહોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે સાહિત્યકાર મનહરદાન ગઢવીએ સાંસદ પુરુષોત્તમ રૂપાલાને પરંપરાગત રજવાડી પોશાક અર્પણ કરી તેમનું વિશેષ બહુમાન અને ભાવભર્યું અભિવાદન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન મહેન્દ્રદાન ગઢવીએ આજકાલ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમનું આ ૧૮મું પુસ્તક છે અને તેમાં ૧૦૦થી વધુ પ્રાચીન ભજનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમની એક પરંપરા રહી છે કે દરેક પુસ્તકના વિમોચન બાદ સાહિત્ય અને ભજન પ્રેમી જનતાને ૧ હજાર જેટલા પુસ્તકો વિનામૂલ્યે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ પરંપરા મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૮ હજાર પુસ્તકો લોકો સુધી ભેટ તરીકે પહોંચાડવામાં આવ્યા છે. આ પુસ્તક વિશેષ રીતે સવારામ બાપુ, મીરાંબાઈ, દાસીજીવણ, તેમજ સતાર બાપુ જેવા અનેક પૂજનીય સંતો અને ભક્તોના ભજનોનો અમૂલ્ય સંગ્રહ ધરાવે છે. અગાઉના ૧૭ પુસ્તકોનું વિમોચન પરમ પૂજ્ય મોરારિ બાપુ સહિત દેશના મહાન સંતો અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓના હસ્તે થયેલું છે. પુસ્તક વિમોચનના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે રાત્રિના સમયે એક ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખ્યાતનામ કલાકારો પોતાના સૂર રેલાવી ભજનની રમઝટ બોલાવે છે. આ કાર્યક્રમે સાહિત્ય જગતમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. કલેકટરની ઓફિસમાં યોજાયેલા આ વિમોચન કાર્યક્રમમાં સાંસદ રૂપાલા ઉપરાંત કલેકટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application