BREAKING NEWS

પોલીસબેડામાં ફફડાટ... નિવૃત્તિના એક જ દિવસ પહેલા રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી.જી.પટેલને સરકારે નોકરીમાંથી ડિસમિસ કર્યા

  • June 01, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસ બેડા સહિત રાજ્યના ગૃહ વિભાગમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર પોલીસના કન્ટ્રોલરૂમમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) તરીકે ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી વી.જી.પટેલને રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ (ડિસમિસ) કરી દીધા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ઉચ્ચ પોલીસ અધિકારી ૩૧ મેના રોજ વયનિવૃત્ત થવાના હતા, પરંતુ તેમની નિવૃત્તિના બરાબર એક જ દિવસ પહેલા એટલે કે ૩૦ મેના રોજ સરકારે તેમને ડિસમિસ કરવાનો આકરો ઓર્ડર જારી કરીને પોલીસ વિભાગમાં કડક સંદેશ આપ્યો છે.


મળતી વિગતો અનુસાર, એસીપી વી.જી.પટેલ સામે અગાઉ વડોદરા ખાતેની તેમની ફરજ દરમિયાન ગંભીર ગેરરીતિ આચરવાના આક્ષેપો થયા હતા. વડોદરામાં પોસ્ટિંગ દરમિયાન તેમણે જુગારના એક કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને કાયદાકીય સકંજામાંથી બચાવવા માટે કથિત રીતે મોટી મદદ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ખાખી વર્દીને દાગ લગાડનારી આ ઘટનાને પગલે તેમની સામે ગૃહ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી) શરૂ કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી આ કડક તપાસના અંતે એસીપી વી.જી.પટેલ ગુનામાં સંપૂર્ણપણે દોષિત જાહેર થયા હતા.


ઇન્કવાયરી રિપોર્ટમાં અધિકારી ગુનેગાર સાબિત થતાં જ ગૃહ વિભાગે લાલ આંખ કરી હતી. જો અધિકારી સરકારી નિયમો મુજબ ૩૧ તારીખે નિવૃત્ત થઈ ગયા હોત, તો તેમને પેન્શન સહિતના તમામ નિવૃત્તિના લાભો મળી શક્યા હોત. પરંતુ, સરકારે શિસ્તભંગ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને નિવૃત્તિના ચોવીસ કલાક પહેલા જ તેમને બરતરફ કરવાનો આદેશ કર્યો હતો. આ આકરી કાર્યવાહીના કારણે હવે વી.જી.પટેલને નિવૃત્તિ બાદ મળતા સરકારી લાભો કે પેન્શનથી પણ હાથ ધોવા પડશે, જેને પગલે પોલીસ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application