BREAKING NEWS

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ડાયરેક્ટરોની બે પોસ્ટને સરકારની મંજૂરી

  • October 08, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (આઈકયુએસી) અને કેરિયર કાઉન્સિલ ડેવલપમેન્ટ સેન્ટર (સીસીડીસી) માં ડાયરેક્ટરો ભરવાની જગ્યા માટેની દરખાસ્ત રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મોકલવામાં આવી હતી અને તેને મંજૂરી મળી ગઈ હોવાનું સત્તાવાર સુત્રો જણાવે છે.

ઇન્ટર્નલ કવોલીટી એકસ્યોરન્સ સેલ (આઈક્યુએસી)નું કામ નેશનલ એક્રીડીટેશન કમિટી ક્યારે રેન્કિંગ માટે યુનિવર્સિટી ની મુલાકાતે આવતી હોય છે તે પહેલા પાયાની માળખાગત સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ સહિતની બાબતોનું આગોતરું આયોજન કરતી હોય છે. આ ઉપરાંત ટીચિંગ સ્ટાફને વધુ અપડેટ કરવાની દિશામાં તે અલગ અલગ કાર્યક્રમો યોજતી હોય છે. આગામી દિવસોમાં જ્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેક એક્રેડીટેશનના રીન્યુઅલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આ વિભાગમાં ડાયરેક્ટરની ભૂમિકા ઘણી મહત્વની બની જશે.

કેરિયર કાઉન્સિલિંગ ડેવલપમેન્ટ સેન્ટર (સીસીડીસી)ની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અને તેની પદ્ધતિથી વાકેફ કરવા, માર્ગદર્શન આપવા અને તાલીમ આપવાની રહી છે. યુપીએસસી થી માંડી જીપીએસસી અને તલાટી ક્લાર્ક જેવી જગ્યાઓની જ્યારે ભરતી થતી હોય છે ત્યારે આ સેન્ટર ટોકન ફી લઈને કોચિંગની સુવિધા પૂરી પાડે છે અને તેમાં સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપવા માટે આવતા હોય છે, છેલ્લા થોડા વર્ષોથી આ સેન્ટરે ભારે કાઠું કાઢ્યું છે અને તેને પણ ડાયરેક્ટરની વધારાની પોસ્ટ મંજૂર થતા હવે આ કામગીરી વધુ વેગવંતી બનશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રારની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. વર્ષો સુધી આ જગ્યા પર ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળતા રમેશભાઈ પરમારની પસંદગી જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટાર તરીકે થયા પછી અત્યારે ઇન્ચાર્જ વાળી જગ્યા પણ ખાલી પડી છે. આ મામલે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતા કાયમી રજિસ્ટ્રારની જગ્યા માટે મંજૂરી મળી છે. અને તેના ઇન્ટરવ્યૂ તથા પસંદગીની પ્રક્રિયા પણ દિવાળીના તહેવારો બાદ હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application