BREAKING NEWS

ધર્મના નામે લોકોને છેતરતી રોકડ, દાગીના લઇ પલાયન થઈ જતી ટોળકી ઝડપાઇ

  • January 24, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે, તાંત્રિક વિધિથી બીમારી અને દુઃખ દુર્દ દૂર કરવાના ધતિંગ કરતા કહેવાતા ભુવા ભરાડાને કારણે અનેક લોકો આર્થિક રીતે પણ છેતરાયા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. આવી જ રીતે દુઃખ દર્દ દૂર કરવાનું કહી ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોને ઠગતી ગેંગના રાજકોટના ત્રણ શખ્સોને અમરેલી એલસીબીએ ઝડપી લઇ રોકડ રકમ,સોનાના ઢાળીયાઓ તથા મોટર સાયકલ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શખ્સોની પુછપરછમાં ટોળકીએ અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં 20 જેટલી છેતરપીંડી આચરી હોવાનું ખુલતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના વડિયાના જુના બાદલપૂર ગામે બે મહિના પહેલા બાઇકમાં આવેલા ત્રણ શખસો એક રહેણાંક મકાને ગયા હતા અને પોતે રાજકોટ ગામ બાજુના છીએ અને રામામંડળનું આખ્યાન રમીએ છીએ, કહી પાણી માગ્યું હતું, પાણી પીધા બાદ ઘરે હાજર દંપતીને જોઈ તમે કેમ બોવ ચિંતામાં છો અને તમારો દિકરો બિમાર રહે છે કહી જાળ નાખી હતી. જે જાળમાં દંપતી ફસાયું હતું ને વિશ્વાસમાં આવી પોતાના યુવકે દિકરાને અગાઉ

પેરાલીસીસ આવેલ છે, તેની ઘણી દવા કરાવવા છતા સારૂ થતુ નહી હોવાનુ જણાવ્યું હતું આથી ત્રણેય શખ્સોએ અલગ અલગ વીધી ઓ કરાવી પડશે આ વિધિ કરશો તો બધું સારું થઈ જશે કહી વિશ્વાસમાં લઇ મહીલાએ પહેરેલી કાનની બ્યુટી સફેદ કપડામાં મુકાવી હતી અને વિધિ કરવાના બહાને સોનાની બુટી લઈ જઈ છેતરપીંડી આચરતા દંપતીએ અજાણ્યા શખ્સો સામે વડિયા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ એલસીબીએ હાથ ધરતા હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે ત્રણ શખ્સોને ઉઠાવી લઈ પુછપરછ હાથ ધરતા પોતાના નામ રમેશ ઉર્ફે રમેશનાથ જવેરભાઇ લકુમ, ભરત ઉર્ફે ભરતનાથ સુરાભાઇ લકુમ, ઉપેન્દ્ર મીઠાભાઇ લકુમ (ત્રણેય રહે.રાજકોટ,ભારતનગર,મેઇનરોડ,આજીડેમ ચોકડી પાસે રાજકોટ)ના હોવાનું જણાવતા તેની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી જેમાં વડિયાના જુના બાદલપુર ઉપરાંત અમરેલી, મોરબી, રાજકોટ ને જામનગર જિલ્લામાં 20 જેટલી છેતરપીંડી આચરી હોવાની કબૂલાત આપતા શખસો પાસેથી રોકડા રૂ.૧૮,૦૦૦, સોનાના ઢાળીયા, મોબાઇલ અને બાઈક મળી કુલ રૂ ૨,૫૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કર્યવાહી માટે વડિયા પોલીસને સોંપ્યા હતા.


રામાપીરના ભગત હોવાનું કહી દુખીયાઓને છેતરતા

શખ્સોની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે, મોટર સાયકલ લઇને અલગ અલગ જિલ્લામાં જતા અને ગામમાં કે વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રસ્તો પુછવાના કે પાણી પીવાના બહાને જઇ તેની સાથે વાતચીત કરી તેના ઘરની વિગતો જાણી,રામાપીરના ભગત હોવાનો અને ગમે તેવી બિમારી, દુઃખ દર્દ દુર કરવાનો સામેવાળાને વિશ્ર્વાસ આપતા. બાદમાં બિમારી,દુઃખ દર્દ દુર કરવાના બહાને વિધી કરવાનો વિશ્ર્વાસ આપી સોનાના દાગીના વીધી કરવાના બહાને નજર ચુકવી લઇને જતા તેમજ રામાપીરના આખ્યાન,રામા મંડલ રમાડવા તેમજ દીવેલ માટે વાતચીત કરીને પણ લોકોને વિશ્ર્વાસમાં લઇ છેતરપીંડીથી રોકડ રકમ મેળવી લેતા હતા.


દિવેલ, દુઃખ દર્દ મટાડવાની વિધિ, માનતા નામે 20 વ્યક્તિઓ પાસેથી પૈસા-દાગીના પડાવ્યા

પોલીસની આગવી ઢબે પુછપરછમાં શખ્સોએ આપેલી કબૂલાતમાં રામાપીરનું આખ્યાન રમવા આવ્યા છીએ આ માટે દિવેલના પૈસા, ઘરમાં કોઈની પત્ની કે દીકરાને તબિયત સારી થઇ જશે, ઘાત ટળી જશે આના માટે વિધિ કરવાની તેમજ ઘાસચારા અને માનતાની વાતો કરી રાજકોટના લોધીકાના ચીભડાં, રાજકોટન હોડથલી, રફાળા, વાકુદળ, જસદણના કાલાસર, રાજકોટના મવડી,બાપા સીતારામ ચોક ખાતે, રાજકોટના મોરબી રોડ, લોધિકાના પાળ, રાવકી, રાજકોટના રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે, જામનગરના કાલાવાડ તાલુકાના દેવળીયા, જામજોધપુર તાલુકાના સાડોદર, કાલાવડના મોરવાડા, ધ્રોલ, લતીપુર, કાલાવાડના બાંગા તેમજ બગસરાના પીઠડીયા ગામ સહિતના 20 ગામેથી રોકડ, સોનાના દાગીના મહિલાઓ, વૃધ્ધો પાસેથી પડાવી લેતા હતા.


ત્રણેય શખ્સો સામે પોલીસ ચોપડે મારામારી, છેતરપીંડીના ગુના

પોલીસની તપાસમાં રમેશ ઉર્ફે રમેશનાથ સામે માણાવદર પોલીસ મથકમાં છેતપિંડી, ભરત સામે રાજકોટના માલવિયા નગર પોલીસ મથકમાં મારામારી અને ઉપેન્દ્ર સામે માણાવદર પોલીસમાં છેતરપીંડીનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application