રાજકોટમાં પાન મસાલાના ધંધાર્થીઓ પર GSTના દરોડા, જાણો કઈ કઈ એજન્સીઓ પર રેડ પડી

  • January 27, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ફરી પાન-મસાલાના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા પડ્યા છે. શહેરના મવડી, કરણપરાની એજન્સીઓ પર જીએસટીના દરોડા પડ્યા છે. દરોડાથી શહેરના પાન-મસાલાનું વેચાણ કરતી એજન્સીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી, અલકા સેલ્સ, જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓ પર જીએસટીની અલગ અલગ ટીમો ત્રાટકી છે. 



પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારથી જ જીએસટી વિભાગની અલગ અલગ ટીમ પાન મસાલાના ધંધાર્થીઓ પર ત્રાટકી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ટીમ પાન-મસાલાનું વેચાણ કરતી એજન્સીઓ પર પહોંચતા આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પોતાની દુકાનોના શટરો પાડી દીધા હતા. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.


અગાઉ કોચિંગ ક્લાસિસ પર દરોડા પડ્યા હતા
અગાઉ રાજકોટના બે સહિત રાજ્યના 40 જેટલા સ્પર્ધાત્મક કસોટીના ક્લાસિસ ચલાવતા સંચાલકો પર એસજીએસટીએ દરોડા પાડ્યા હતા. રાજકોટના આઇસીઇ, આકાશવાણી ચોકમાં આવેલા ક્લાસીસ, અમદાવાદના લીબર્ટી, પ્રાયુજ્ય કલાસિસ સહિતના 35થી વધુ સ્થળો પર એડમિશન સહિતના ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. દરોડા પાડવા ગયેલી વિવિધ ટીમોએ જે તે સેન્ટરમાં જ ધામા નાખી મોડીરાત સુધી તપાસ કર્યા બાદ કોમ્પ્યુટરમાં રહેલા ડેટાની ચકાસણી કરી હતી. જો કે રાજકોટના નાણાવટી ચોકમાં આવેલા એક ક્લાસિસ સંચાલકની ઓફિસમાં કોમ્પ્યુટરનો ડેટા ડિલિટ કરી નાખવા મુદ્દે કોઈ તપાસ થઈ ન હોવાથી તંત્રમાંથી કોણ ફૂટ્યું તેનું સસ્પેન્સ હજુ યથાવત્ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application