BREAKING NEWS

અમદાવાદ પ્લેન ક્રેશનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ 1 મહિનામાં આવી જશેઃ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીનું ગાંધીનગરમાં નિવેદન

  • May 08, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'એવિએશન સમિટ'માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ઉડ્ડયન ક્ષેત્રે ભારતની વધતી શક્તિ અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, આ દુર્ઘટનાનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ આગામી એક મહિનામાં જાહેર કરી દેવામાં આવશે.


કેન્દ્રીય મંત્રીએ પ્લેન ક્રેશની તપાસ અંગે ખાતરી આપતા કહ્યું કે, સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત પારદર્શિતા સાથે ચાલી રહી છે. અમે આધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છીએ જેથી માનવીય ભૂલ કે ટેકનિકલ ખામીના દરેક પાસાને ચોકસાઈથી તપાસી શકાય." તેમણે વધુમાં ઉમેર્યું કે આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ દેશ સહભાગી બની શકે છે. સરકારનું પ્રાથમિક લક્ષ્ય અકસ્માત પાછળનું સચોટ કારણ જાણી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે એક અભેદ્ય સુરક્ષા સિસ્ટમ તૈયાર કરવાનું છે. અસરગ્રસ્ત પરિવારોને વળતર અને સહાય મળે તે માટે મંત્રાલય દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


સમિટમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની એવિએશન ક્ષમતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક હબ જ નહીં, પરંતુ એવિએશન સેક્ટરમાં પણ દેશનું નેતૃત્વ કરવા સજ્જ છે.


હાલ ગુજરાતમાં ૧૯ એરપોર્ટ કાર્યરત છે, જેમાં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા થઈ રહ્યા છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે જરૂરી પાર્ટ્સના ઈમ્પોર્ટ પર 'ટેક્સ ફ્રી' સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે, જે ઉદ્યોગ સાહસિકો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.વધુમા તેમણે કહ્યું હતું કે ધોલેરા અને રાજકોટના હિરાસર એરપોર્ટ રાજ્યના એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા પ્રાણ ફૂંકશે.


ગિફ્ટ સિટી બનશે ગ્લોબલ લિઝીંગ હબ

કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે દેશમાં હાલ ૮૫% એરક્રાફ્ટ લિઝીંગ મોડલ પર ચાલે છે. ભારત આ મામલે વિદેશો પર નિર્ભર રહેવાને બદલે ગુજરાતના ગિફ્ટ સિટી ને વૈશ્વિક લિઝીંગ હબ તરીકે વિકસાવી રહ્યું છે. આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાંથી ૧૫૦ જેટલા એરક્રાફ્ટ લિઝીંગ પર લેવાય તેવી સંભાવના છે. વિસ્તારા જેવી અગ્રણી એરલાઈન્સે પણ આ મોડલમાં વિશેષ રસ દાખવ્યો છે.


ભવિષ્યનું લક્ષ્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપોર્ટ વિકસાવવામાં આવશે અને એવીએશન ક્ષેત્રનો રોડમેપ રજૂ કરતા કહ્યું કે વધતી જતી મુસાફરોની સંખ્યા સામે એરક્રાફ્ટની અછત પૂરી કરવી એ અત્યારે મોટી જરૂરિયાત છે. આ માટે આગામી દાયકામાં દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપોર્ટ બનાવવાનું લક્ષ્ય છે. આ સાથે અમદાવાદ એરપોર્ટને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને હેલિકોપ્ટર તથા કાર્ગો ઈન્ડસ્ટ્રીમાં મોટા રોકાણો લાવવા પર ભાર મૂકવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application