કાલાવડમાં વેપારીના મકાનમાંથી રુા. ૧.૭૫ લાખની ઉઠાંતરી

  • November 30, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અડધો કલાક ખુલ્લા રહેલા મકાનમાં હાથફેરો થયો : માતબર રકમ અને દાગીનાને હાથ ન લગાડતા જાણભેદુ હોવાની આશંકા

કાલાવડની મેઇન બજાર ખાતે આવેલ પારેખ શેરીમાં રહેતા વેપારી દેવનદાસ આસુમલભાઇ ગંગવાણીએ ગઇકાલે ટાઉન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે મકાનમાંથી ૧.૭૫ લાખના મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અડધો કલાક ખુલ્લા રહેલા મકાનમાં ચોરી થઇ છે તેમાં વળી તસ્કર અન્ય એક લાખની રોકડ અને દાગીનાની ઉઠાંતરી કરી નથી માત્ર વેપારના વકરાના અને પાકીટમાંથી ચોરી કરતા બનાવ પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાનું તારણ લગાવીને પોલીસે આ દીશામાં ચક્રો ગતીમાન કર્યા છે.
કાલાવડ ટાઉન પારેખ શેરીમાં રહેતા અન્ય અનાજ કરીયાણાની દુકાન ધરાવતા દેવનદાસભાઇના પત્ની ગત તા. ૨૪ના સાંજના સુમારે બાજુમાં રહેતા રેખાબેનને ત્યાં ગયા હતા એ સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે ફરીયાદીના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ગેરકાયદે પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા વેપારના રોકડા રુા. ૧.૦૮.૩૦૦ તથા ફરીયાદીની પત્નીએ પાકીટમાં સાચવીને રાખેલા રોકડા ૬૬૭૦૦ મળી કુલ ૧.૭૫ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા.
માત્ર અડધો કલાકના સમયગાળા દરમ્યાન ખુલ્લા રહેલા મકાનમાંથી ચોરીનો બનાવ બનતા કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવવામાં આવી છે, કાલાવડના પીએસઆઇ વી.એસ. પટેલ અને સ્ટાફ દ્વારા સ્થળ પર દોડી જઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કબાટમાં એક લાખની રોકડ ત્યાં પડેલી હતી, દાગીના પણ કબાટમાં પડેલા હતા પરંતુ તસ્કરે જાણે પોતાની જરુરીયાત મુજબ વેપારનો વકરો અને પાકીટમાં રાખેલી રકમની ઉઠાંતરી કરી હતી જે બાબતે કેટલીક શંકાઓ ઉભી થઇ છે, મકાનથી થોડે દુર એક સ્થળે લાગેલા સીસી કેમેરા ટાઉન પોલીસ દ્વારા તપાસવામાં આવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application