BREAKING NEWS

શાપરમાંથી પોણા ચાર કિલો, રાવકી પાસે ૯૦૬ ગ્રામ ગાંજો ઝડપાયો

  • March 13, 2026 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેન્જ આઇ.જી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ દ્વારા રેન્જમાં ખાસ કરીને માદક પદાર્થની હેરફેર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને લઇ રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમ ત્રણ દિવસ પૂર્વે જ મેટોડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ આજરોજ અલગ અલગ બે દરોડામાં માદક પદાર્થનો જથ્થો ઝડપી લીધો છે. જેમાં એસઓજી અને શાપર વેરાવળ પોલીસે મળી શાપરમાંથી પોણા ચાર કિલો ગાંજા સાથે મહિલા સહિત બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે એસોજીની ટીમે અન્ય એક દરોડામાં લોધીકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 906 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખસને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્ય એઓજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.જી.જે.ઝાલાની રાહબરીમાં ટીમ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પીએસઆઇ ઝાલા તથા કોન્સ. રણજીતભાઇ ધાધલને બાતમી મળી હતી કે, જ્યોતીબેન ગૌસ્વામી (રહે, શાપર વેરાવળ સર્વોદય સોસાયટી) એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મહીલાના કબ્જા ભોગવટાના ભાડાના રહેણાંક મકાનમાંથી ૩ કિલો ૯૭૨ ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.૧,૯૮,૬૦૦ મળી આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન માદક પદાર્થ સાથે જ્યોતિબેન વસંતભાઇ પાંડુભાઇ ગૌસ્વામી(ઉ.વ.૨૮ રહે.શાપર વેરાવળ, સર્વોદય સોસાયટી) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા (ઉ.વ.૨૭ રહે.સાવરકુંડલા, આકાશીપરા) ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.૨,૩૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી શાપર-વેરાવળ પોલીસ સ્ટેશને ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો આ જથ્થો લાવ્યો હતા અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને આ ગાંજાનો જથ્થો પહોંચડવાનો હતો જેથી જામનગરના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી પીઆઇ એફ.એ.પારગી, શાપર-વેરાવળના પીઆઇ આર.બી.રાણા,એસ.ઓ.જી.શાખાના પીએઆઇ જી.જે.ઝાલા, એ.એસ.આઇ. ફિરોઝભાઇ બ્લોચ,હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા,કોન્સ રણજીતભાઇ ધાધલ, રધુભાઇ ત્રકટા, વિપુલભાઇ ગોહિલ, તથા શાપર વેરાવળના મહિલા લોકરક્ષક નિમુબેન મેતા, ડ્રાઇવર ઘનશ્યામસિંહ જાડેજા સાથે રહ્યા હતાં


રાવકીમાં પરપ્રાંતીય ૯૦૬ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો: સ્પલાયર શાપરના શખસની શોધ

એઓજીના પીએસઆઇ પી.બી.મિશ્રા અને હેડ કોન્સ્ટેબલ નૈમીષભાઈ મહેતાને મળેલી બાતમીના આધારે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉ.વ. 24 રહે. હાલ રાવકી, મૂળ બરકા ઉદયપુર, યુપી)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300 ની કિંમત નો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા તેને ગાંજાનો આ જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બહાદુર, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા, કૃપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયગીરી, પૃથ્વીરાજસિંહ અને નરસિંહભાઈ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application