વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સંતો અને અંદાજે 800 થી 1000 સેવકોની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી રાત-દિવસ ચાલી રહેલી તડામાર તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે. આ વર્ષના મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ 'AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો' રહેવાનું છે.
ભક્તો પર ફોકસ કરતો અનોખો લાઈટ શો
સામાન્ય રીતે લાઈટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે નિર્જીવ વસ્તુ પર પ્રક્ષેપિત કરવામાં આવતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લોકોની મહેનતથી તૈયાર થયેલો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે. કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર, 'કિંગ ઓફ સાળંગપુર'ની વિશાળ મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઉભા કરીને 201 જેટલી અત્યાધુનિક શાર્પી લાઈટો લગાવવામાં આવી છે. આ લાઈટિંગની આખી ડિઝાઈન AI ની મદદથી તૈયાર કરવામાં આવી છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે.
વેસ્ટર્ન મ્યુઝિક અને ટ્રેડિશનલ મહિમાનો સંગમ
ભક્તોને કોઈ ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં હોય તેવી અનુભૂતિ કરાવવા માટે મેદાનમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં 28 જેટલા મીડ સ્પીકરનો ઉપયોગ કરાયો છે. વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના ગંભીર અવાજમાં દાદાના મહિમાને જોડીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે, જે આધ્યાત્મિક વાતાવરણમાં જોમ ભરી દેશે.
ગંગા આરતીની ભવ્યતા અને જાપાનીઝ સ્ટાઈલ ફાયર શો
આ મહોત્સવમાં 100 જેટલા કલાકારો દ્વારા હરિદ્વારની પ્રસિદ્ધ ગંગા આરતીની શૈલીમાં 15 મિનિટ સુધી ભવ્ય 'સાળંગપુર આરતી' કરવામાં આવશે. આરતી બાદ આકાશમાં રંગબેરંગી રોશનીના લસરકા જોવા મળશે, જેના માટે 2000 થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓનો ઉપયોગ કરીને 8 મિનિટનો ભવ્ય ફાયર શો યોજાશે. વિશેષ આકર્ષણ એ રહેશે કે ક્રેનની મદદથી દાદાની મૂર્તિની પાછળથી ફટાકડા ફોડવામાં આવશે, જેથી મૂર્તિની પાછળ તેજસ્વી ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો નજારો સર્જાશે. આવો નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો.
બલૂન ડ્રોપ અને કેક કટિંગ સાથે જન્મોત્સવની વધામણી
બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય મુહૂર્ત સમયે પરંપરાગત રીતે કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરની ઉજવણીમાં 1 લાખ જેટલા બલૂન ડ્રોપ કરવામાં આવશે અને બ્લોઅર મશીન દ્વારા હવામાં રંગીન કાગળ ઉડાડીને વાતાવરણને ઉત્સવમય બનાવી દેવામાં આવશે.
આમ, સાળંગપુર હનુમાનજી મંદિર આ વર્ષે શ્રદ્ધાની સાથે આધુનિકતાનો નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે, જે દાદાના લાખો ભક્તો માટે આજીવન સંભારણું બની રહેશે.