ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો

  • January 24, 2025 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા.


 ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧૭.૨૬ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૪માં ૧૮.૬૨ કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં ૨૩.૧૨ લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો  રણોત્સવમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭.૪૨ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૭.૫૨ લાખ એમ કુલ મળીને ૧૪.૯૪ લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.


આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં ૦૫ લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં ૦૪ લાખથી વધુ પ્રવાસીઓ- નાગરિકોએ મુલાકાત લીધી છે.


કચ્છ રણોત્સવ: ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી આજે કચ્છનું રણ 'રણોત્સવ'થી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.


કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના પરિણામે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયોમાંથી ૪૭ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતના ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો એમ કુલ ૬૦૭ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.


વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ

રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે ઓળખાતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવ એ ૧૦ દિવસનો ઉત્સવ છે જ્યાં હજારો ભક્તો દેવી માં અંબાની ભક્તિના પ્રતીક તરીકે પરંપરાગત દાંડિયા અને ગરબા રમે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે ૨૩.૧૨ લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા.

 માં નર્મદા ગુજરાતમાં જ્યાંથી પ્રવેશે છે તે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-૨૦૨૪’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે ૨૫મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતના વૈવિધ્યસભર પર્યટન સ્થળો અને તેની ધરોહરના જતન માટે નાગરિકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ છે. દેશભરમાં વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય પર્યટન દિવસ "ટુરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ"ની થીમ ઉપર  ઉજવાશે તેમ, પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application