આખરે, ખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડ મુકરર

  • September 28, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે સાંજે ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા યોજાશે: 39 જેટલા ઠરાવો એજન્ડામાં લેવાયા


ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા કે જે કોઈ કારણોસર છેલ્લા સાતેક માસથી યોજાઈ ન હતી, તે હવે આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ મુકરર કરાઈ છે. આ જનરલ બોર્ડના એજન્ડામાં ખરીદી, વિવિધ કામો સહિતના 39 જેટલા ઠરાવો લેવામાં આવ્યા છે.


ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નંબર 15 મુજબની જનરલ બોર્ડ આગામી મંગળવાર તા. 1 ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે નગરપાલિકાના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં અગાઉના બજેટને બહાલી, નગરપાલિકાને બાકી વીજ બિલ માટેની લોન અંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને દરખાસ્ત કરવા, તાજેતરના ભારે પુરના કારણે પાણી પુરવઠાની લાઈનો તેમજ મશીનરીને થયેલી નુકસાની અંગેની કામગીરી કરવા, ખંભાળિયા નગરપાલિકાને સરકાર દ્વારા ખાસ કિસ્સાઓમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બાબત, ડોર ટુ ડોર કચરા કલેક્શન કાર્યવાહીને બહાલી તેમજ આ અંગેનું નવું ટેન્ડર કરવા, રખડતા ઢોર માટે એનિમલ હોસ્ટેલ બનાવવા માટેની જગ્યા ફાળવવા, મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા ફાળવવા માટેની દરખાસ્ત કરવા, સાવરણા અને સાવરણીની ખરીદી તેમજ ડસ્ટબીન વિતરણ કરવા, ભંગાર માલની હરાજી કરવા, ફિલ્ડ વર્કના કર્મચારીઓ માટે સાયકલ ખરીદ કરવા, પબ્લિક ટોયલેટ અને યુરીન બ્લોકની કામગીરી માટે જગ્યા નક્કી કરવા, જુદા જુદા વિસ્તારમાં રંગરોગાન અને ભીંતચિત્રો બનાવવા, અહીંના જામનગર માર્ગ પર રેલવે ઓવર બ્રિજ અંગેની કામગીરી તાકીદે કરવા માટે પત્ર વ્યવહાર કરવા, વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તા રીપેરીંગ કરવા, હેરિટેજ કામોના ફેસ- 2 ના કામ બાબતે દરખાસ્ત કરવા, કોમ્યુનિટી હોલમાં અદ્યતન ફર્નિચર માઈક અને સાઉન્ડ સિસ્ટમ કરવા, વેલકમ ગેટ ખાતે ઇલેક્ટ્રીક બોર્ડ લગાડવા, સોલાર પ્રોજેક્ટ માટે દરખાસ્ત કરવા, ઘી નદી રિવરફ્રન્ટની મળેલી સૈદ્ધાંતિક મંજૂરી અંગેની કામગીરી કરવા તેમજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા સહિતના મુદ્દાઓ આ એજન્ડામાં લેવામાં આવ્યા છે.

સામાન્ય સભા અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના સહિતના હોદ્દેદારો સાથે ગુરુવારે યોજાઈ ગયેલી સંકલન બેઠક બાદ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેની ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની આ વધુ એક સામાન્ય સભા હવે કોઈ પણ વાદવિવાદ કે વિરોધ વગર સંપન્ન થઈ જવાની પૂરી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application