નર્મદા નદીની પાઈપ લાઈનમાં ખોટકો: હાલાર પંથકમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે

  • June 11, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક ગામોમાં વિતરણમાં બે દિવસ વિક્ષેપ


દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં નર્મદા નદીના પાણી પાઈપ લાઈન મારફતે આપવામાં આવે છે. ત્યારે અહીં અનેક ગામોનો આધાર નર્મદાના નીર પર રહેલો છે. હાલ કાળઝાળ ઉનાળામાં મોટાભાગના બોર, કુવા, ડેમ સહિતના જળ સ્ત્રોતો તળિયાઝાટક બની રહ્યા છે. ત્યારે દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક ગામો નર્મદાના પાણીના આશરે છે.


આ પરિસ્થિતિમાં નર્મદાની પાઈપલાઈનમાં મોટું લીકેજ સર્જાતા સમારકામ માટે રવિવાર તથા ગઈકાલે સોમવારે એમ બે દિવસ માટે કામગીરી હાથ ધરાઈ છે. જેને અનુલક્ષીને પાણીનું વિતરણ બંધ રાખવામાં આવતા અનેક ગામોમાં જળ વિતરણની વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. દ્વારકા જિલ્લામાં દૈનિક આશરે પાંચેક કરોડ લીટર નર્મદાનું પાણી આવે છે. તો નર્મદા નદીની પાઈપલાઈન અનેક ગામોમાં આવી ગઈ છે. જેથી નર્મદાનું પાણી અનેક ગામોના લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.


અગાઉના વર્ષોમાં ખંભાળિયા પંથકમાં 25-30 ઈંચ વરસાદ પડે તો પણ આ પાણી આખું વર્ષ ચાલતું હતું અને નર્મદાના પાણીનો વિકલ્પ પણ ન હતો. ત્યારે હાલના સમયમાં અહીં દર વર્ષે 50-55 ઈંચ સુધી પાણી વરસે છે. તો પણ મે-જૂન માસમાં પાણીનો વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વધુ પડતા જળના ઉપયોગથી અને બોર-કુવા રિચાર્જ ન થતા ભૂગર્ભ જળનો જથ્થો ખૂબ જ ઊંડે સુધી પહોંચી ગયો છે.

ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં ઘી નદી નજીકના વિસ્તારોમાં અગાઉ 40-50 ફૂટે બોરમાં પાણી આવી જતું હતું. પરંતુ હવે 300-400 ફૂટે પાણી નીકળતું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો નર્મદા નદીના આશ્રિત બની રહ્યા છે. ત્યારે ચોમાસામાં ઘી ડેમ ઓવરફ્લો થતાં આ પાણી નદીમાં જઈને દરિયામાં નિરર્થક વહી જાય છે. તો વ્યય થતા આ કિંમતી વરસાદી પાડીને રોકવા માટે કુવા તથા બોર રિચાર્જ કરવા તેમજ આ વિસ્તારમાં મહત્તમ નવા ચેકડેમ અને તળાવ બનાવવા ખૂબ જ અનિવાર્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application